ઈસ્લામાબાદઃ આતંક પર એક્શન માટે એફએટીએફે પાકિસ્તાનને અંતિમ ચેતવણી આપી દીધી છે. ફ્લોરિડામાં થયેલી એફએટીએફની બેઠકમાં પાકિસ્તાનને આતંક વિરુદ્ધ કાર્યવાહી માટે ઓક્ટોબર 2019 સુધીની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે. એફએટીએફ દ્વારા ઈસ્લામાબાદ માટે જાહેર કરવામાં આવેલી ચેતવણીએ પાકિસ્તાનના બ્લેક લિસ્ટ થવાની આશંકાને મજબૂત બનાવી દીધી છે. પાકિસ્તાનના પ્રમુખ સમાચાર પત્ર ડોનમાં તુર્કી સમાચાર એજન્સીના હવાલાથી પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર તુર્કી જ એક માત્ર દેશ હતો જેણે ઈસ્લામાબાદને બ્લેકલિસ્ટ કરવાનો વિરોધ કર્યો હતો.
ભારત દ્વારા લાવવામાં આવેલા આ નવા પ્રસ્તાવને અમેરિકા અને બ્રિટને પણ પોતાનું સમર્થન આપ્યું, રિપોર્ટ અનુસાર પાકિસ્તાન સાથે લાંબા સમયથી તેનો સાથ આપી રહેલા ચીને આ મીટિંગથી દૂરી બનાવી હતી. ભારત એફએટીએફની એશિયા પેસેફિક જોઈન્ટ ગ્રુપનું કો-ચેર સભ્ય છે. એફએટીએફના નિર્દેશો અનુસાર પાકિસ્તાનની આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી અને મની લોન્ડ્રીંગ રોકવા માટે ભરવામાં આવેલા પગલાની સમીક્ષા પણ ભારત કરે છે.
પાકિસ્તાન ગત એક વર્ષથી FATF ના ગ્રે લિસ્ટમાં છે અને તેણે ગત વર્ષે જૂનમાં એન્ટી મની લોન્ડ્રીંગ અને ટેરર ફંડિંગ મેકેનિઝમને મજબૂત બનાવવા માટે તેની સાથે કામ કરવાનો વાયદો કર્યો હતો. ગત વર્ષે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુકવાના નિર્ણયની સાથે FATF દ્વારા નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન પૂર્ણ રીતે આતંકી સમર્થનને રોકવામાં નિષ્ફળ રહ્યું છે. આ આધાર પર આને હાઈ રિસ્કની શ્રેણીમાં મૂકવામાં આવે છે.
22 ફેબ્રુઆરીના રોજ આના સમાપન રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ટેરરિઝમ રોકવામાં પાકિસ્તાને પૂર્યાપ્ત સમજણનું પ્રદર્શન નથી કર્યું. દા-એશ, જેયૂડી, એફઆઈએફ, લશ્કર-એ-તૈયબા, જેઈએમ અને તાલિબાન સાથે જોડાયેલા આતંકી સંગઠનોના આર્થિક આધારને કમજોર કરવા માટે પાકિસ્તાને પુરતા પગલા નથી ભર્યા. એફએટીએફે પોતાના રિપોર્ટમાં આગળ કહ્યું કે જાન્યુઆરી 2019 સુધી પાકિસ્તાન દ્વારા આતંક વિરુદ્ધ ભરવામાં આવેલા પગલાને પર્યાપ્ત ન કહી શકાય. આ સીમિત પ્રયાસને જોતા એફએટીએફ પાકને નિર્દેશ આપે છે કે આતંક વિરુદ્ધ પાકિસ્તાન તાત્કાલીક ઠોસ પગલા ભરે.