ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં દસ વર્ષ સુધીના 75 ટકા બાળકો ‘લર્નિંગ ગરીબી’નો શિકાર છે. આનો અર્થ એ છે કે આ બાળકો કોઈ ફકરો યોગ્ય રીતે વાંચી શકતા નથી, ન તો લખી અથવા સમજી શકતાં નથી. વર્લ્ડ બેંકના અહેવાલમાં પાકિસ્તાની શિક્ષણની આવી દુર્દશા સામે આવી છે.
ઇસ્લામાબાદની કાયદે આઝમ યુનિવર્સિટીમાં કન્યાઓના શિક્ષણ અને સશક્તિકરણને લગતા એક કાર્યક્રમમાં, વર્લ્ડ બેંકના ડિરેક્ટર (શિક્ષણ), જેમે સાવેદ્રાએ આ અહેવાલ જાહેર કર્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનમાં દસ વર્ષ સુધીની 75 ટકા બાળકો યોગ્ય રીતે વાંચી અથવા લખી શકતા નથી અથવા લખેલું કંઈપણ સમજી શકતાં નથી. તેમણે કહ્યું હતું કે દક્ષિણ એશિયામાં દસ વર્ષ સુધીની 58 ટકા બાળકો ‘લર્નિંગ ગરીબી’ નો શિકાર બન્યાં છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં એવા 27.3 ટકા બાળકો છે જેમણે સ્કૂલનો દરવાજો પણ જોયો નથી. જેમાં 55 ટકા એટલે કે લગભગ બે કરોડ 25 લાખ દીકરીઓનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં પાકિસ્તાનના શિક્ષણ પ્રધાન શફકત મેહમુદે કહ્યું હતું કે ‘શીખવાની ગરીબી’ એ પણ તેમના માટે એક નવો શબ્દ છે, પરંતુ તેમણે સ્વીકાર્યું કે તે ધ્યાન આપવાની વાત છે. તેમણે કહ્યું કે અમારો પ્રયાસ બાળકોને શાળાએ લાવવાનો છે, પરંતુ તેઓને ત્યાં કેવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે તેના પર વધુ ધ્યાન અપાતું નથી. દેશભરમાં દસ વર્ષ સુધીના બાળકોનું શૈક્ષણિક સ્તર શું છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.