પર્યાવરણની ચિંતા કરતાં કરતાં આ ગ્રેટા કેવી રીતે બની ગઇ ગ્રેટ?

નવી દિલ્હી: 16 વર્ષની પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગની ઓળખ આપવાની આજે આવશ્યકતા નથી. ટાઈમ મેગેઝિને તાજેતરમાં એને ‘ટાઈમ પર્સન ઓફ ધ યર’ જાહેર કરીને એનું બહુમાન કર્યું છે. 2018માં પણ ટાઈમ મેગેઝિને ગ્રેટાને સૌથી પ્રભાવશાળી ટીનેજર્સની યાદીમાં સામેલ કરી હતી. 2018માં 15 વર્ષની ગ્રેટા પહેલીવાર મીડિયામાં ચમકી જ્યારે એણે પર્યાવરણના મુદ્દે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ દ્વારા હડતાળ પાડવાનું આહવાન આપ્યું હતું. ધીમેધીમે આ ચળવળમાં 105 દેશોમાંથી વિદ્યાર્થીઓ જોડાયા ને ચળવળને મોટું રૂપ મળ્યું. વિશ્વભરના મીડિયામાં ગ્રેટાનો ચહેરો અને એની વાતો ચર્ચાનો વિષય બની ગયા.

નવેમ્બર 2018માં ગ્રેટાને ટેડેક્સમાં વક્તા તરીકે બોલવાનું આમંત્રણ મળ્યું અને ડિસેમ્બર 2018માં એને સંયુક્ત રાષ્ટ્રોની ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં પણ બોલવાની તક આપવામાં આવી. એ પછી 2019માં તો ગ્રેટાને વધુ ને વધુ પ્લેટફોર્મ્સ પરથી બોલવાનાં આમંત્રણ આવતા ગયા. વિશ્વના મોટામોટા લોકો ગ્રેટાને સમર્થન આપવા લાગ્યા.

સ્વીડનમાં જન્મેલી ગ્રેટા નાનપણથી પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ રહી છે. સૌથી પહેલા એણે પોતાના પરિવારની લાઈફસ્ટાઈલ બદલીને ઈકોફ્રેન્ડલી કરાવડાવી હતી. ગ્રેટાના કહેવાથી એના પરિવારે એર-ટ્રાવેલિંગ કરવાનું બંધ કર્યું ને એના જ પરિણામે આખા સ્વીડનના એર-ટ્રાવેલિંગમાં ઘટાડો થઈ ગયો, કારણ કે એર-ટ્રાવેલિંગથી કાર્બનઉત્સર્જન ઘણું વધારે થાય છે.

જે ઉંમરમાં બાળકને પર્યાવરણ શું છે એની પણ ખબર માંડ પડતી હોય એ ઉંમરમાં ગ્રેટા પર્યાવરણ બાબતે વિશ્વના નેતાઓની ઝાટકણી કાઢવા લાગી હતી. મુખ્ય તો એણે એના ભાષણોમાં વારંવાર કહ્યું છે કે નેતાઓ દ્વારા થતા પર્યાવરણના કામો તદ્દન અપૂરતા છે ને આ મુદ્દે બધા ચિંતિંત હોવા જોઈએ. અમેરિકન રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વના નેતાઓને ગ્રેટાએ ગુસ્સાભર્યા સ્વરે કહી દીધું હતું કે, હાઉ ડેર યૂ?(તમારી હિંમત કેવી રીતે થઈ?) એ વાત વિશ્વમાં ખૂબ ફેલાઈ હતી ને ગ્રેટાનો ગુસ્સાવાળો ફોટો પણ ખૂબ વાયરલ થયો હતો. રશિયન વડા પુતિનને પણ ગ્રેટાએ માઈક્રોબ્લોગિંગ સાઈટ પર સામો જવાબ આપ્યો હતો. ગ્રેટાને 52 હજાર અમેરિકી ડૉલરનો નોર્ડિક કાઉન્સિલનો પ્રતિષ્ઠિત એવોર્ડ આપવાની જાહેરાત કરી ત્યારે એણે ઈનકાર કરી દીધો. ગ્રેટાને નોબેલ પુરસ્કારનું પૂછાયું ત્યારે પણ એણે ના પાડી દીધી હતી.