નવી દિલ્હીઃ પુલવામામાં ફેબ્રુઆરીમાં થયેલા આતંકી હુમલા બાદ શરુ થયેલા ભારત-પાકિસ્તાન તણાવના કારણે પાકિસ્તાને પોતાના હવાઈ ક્ષેત્રને બંધ કરી લીધું હતું. ત્યારથી પોતાના એરસ્પેસને બંધ રાખવાનો વટ પાકિસ્તાન રાખી રહ્યું છે. જોકે આ વટ રાખવો ઘણો ભારે પડી રહ્યો છે. એકતરફ પાકિસ્તાન એરસ્પેસ બંધ હોતાં રોજના આશરે 400 જેટલી ફ્લાઈટ્સ પર અસર પડે છે, તો ઈસ્લામાબાદને પણ 100 મિલિયન ડોલરથી વધારેનું નુકસાન પણ ભોગવવું પડ્યું છે.
હવાઈ ક્ષેત્ર બંધ થવાના કારણે આશરે 400 જેટલી ફ્લાઈટ રોજ પ્રભાવિત થાય છે. આનાથી ફ્લાઈટના ટાઈમિંગમાં પણ વધારો થયો કારણ કે વિમાનને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રથી બાયપાસ જવું પડે છે. જેનાથી ઈંધણનો ખર્ચ સહિતના ખર્ચમાં વધારો થાય છે.
અંદાજીત 400 જેટલી ફ્લાઈટ પ્રભાવિત થઈ છે અને એક પર 580 ડોલરનો ચાર્જ આવે છે તો એ માની શકાય કે સીએએ માટે એકલા ઓવરફ્લાઈટ ચાર્જના કારણે રોજના 232000 ડોલરનું નુકસાન થશે. તેમણે જણાવ્યું કે જો તમે ટર્મિનલ નેવિગેશન, વિમાનનું લેંડિંગ અને પાર્કિંગ માટેના શુલ્ક સાથે નુકસાનને જોડો તો તો નુકસાન 300,000 ડોલરનું થાય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કુઆલાલમ્પુર, બેંગકોંગ અને દિલ્હી જેવી ફ્લાઈટના નિલંબનના કારણે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ પણ પ્રતિદિન આશરે 460,000 ડોલરનું નુકસાન ભોગવી રહી છે. આ સિવાય ઘરેલૂ ફ્લાઈટ્સને પણ વધારે સમય સુધી ઉડાન ભરવાના કારણે ફ્લાઈટ સંચાલન અને ખર્ચમાં વૃદ્ધિ થઈ છે.