ઈસ્લામાબાદઃ પાકિસ્તાની સેનાએ દેશના આર્થિક સંકટને જોતાં આ વર્ષે પોતાના બજેટમાં ઘટાડાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને જણાવ્યું કે સેનાએ આર્થિક સંકટને પહોંચી વળવામાં મદદ માટે આ નિર્ણય કર્યો છે. આ ખબરની પુષ્ટિ કરતા પાકિસ્તાન સેનાના ઈન્ટર સર્વિસીઝના પબ્લિક રિલેશન્સના મહાનિદેશક મેજર જનરલ આસીફ ગફૂરે એક ટ્વીટ કર્યું કે આગામી નાણાકીય વર્ષ માટે રક્ષા બજેટમાં સ્વૈચ્છિક ઘટાડો એ સુરક્ષાની કીમત પર નહીં થાય.
ગફૂરે જણાવ્યું કે એક વર્ષ માટે રક્ષા બજેટમાં સ્વૈચ્છિક ઘટાડો સુરક્ષાની કીંમત પર નહી થાય. અમે તમામ પ્રકારના સંકટોના જવાબમાં પ્રભાવશાળી પ્રતિક્રિયા આપતા રહીશું. ત્રણેય સેવાઓ ઉચિત આંતરિક પગલાથી કટોતીના પ્રભાવનું પ્રબંધન કરશે. કબાયલી વિસ્તારો અને બલૂચિસ્તાનના વિકાસનમાં ભાગીદારી કરવી તે મહત્વપૂર્ણ બાબત છે. બજેટમાં કેટલો ઘટાડો કરવામાં આવશે, તેની જાણકારી સેના દ્વારા નથી આપવામાં આવી. ત્યારે આ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને જણાવ્યું કે દેશની આર્થિક સ્થિતીને ધ્યાનમાં રાખીને પાકિસ્તાની સેનાએ પોતાના રક્ષા ખર્ચમાં ઘટાડો કરીને જે અભૂતપૂર્વ સ્વૈચ્છિક પહેલ કરી છે તે, કાબિલેદાદ છે. ખાને કહ્યું કે તેઓ આ પ્રકારના નિર્ણયથી સેનાના આભારી છે. આ પગલું દેશ સામે ઉપસ્થિત ઘણા સુરક્ષા પડકારો છતા ઉઠાવવામાં આવ્યું છે.
દેશના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી પ્રધાન ફવાદ ચોધરીએ પણ કહ્યું કે આ કોઈ નાનો નિર્ણય નથી. તેમણે જણાવ્યું કે માત્ર એક મજબૂત સૈન્ય-અસૈન્ય સહયોગ જ પાકિસ્તાનને શાસન અને અર્થવ્યવસ્થાની મોટી સમસ્યાઓથી બચાવી શકે છે.