ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં 31 ઓક્ટોબરે પીએમ ઇમરાન ખાનના રાજીનામાની માગ સાથેની પ્રસ્તાવિત આઝાદી માર્ચને મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચેની વાતચીત નિર્ણય વિના ખતમ થઈ ગઈ. આ બેઠકમાં સરકાર અને વિપક્ષના નેતાઓ વચ્ચે તીખી નોકઝોંક પણ થઈ હતી. પાકિસ્તાનમાં વિપક્ષ પીએમ ઇમરાન ખાનના રાજીનામાની માગણી કરી રહ્યો છે તે મુદ્દે જ બેઠક યોજાઈ હતી.
વિપક્ષના નેતાઓ સાથેની વાતચીતમાં આઝાદી માર્ચ રદ કરવાને લઇને ચર્ચા થઈ ખરી પરંતુ વિપક્ષને રાજીનામા સિવાયનું બીજું કશું જોઇતું ન હોવાથી મામલો તુલ પકડી ગયો છે. જેને લઇને ઇમરાન ખાનના રાજીનામાની અટકળો તેજ થઈ રહી છે.
જણાવીએ કે પાકિસ્તાનમાં વિપક્ષ નેતાઓ 31 ઓક્ટોબરે પીએમ ઇમરાન ખાન વિરુદ્ધ આઝાદી માર્ચ કાઢવા જઈ રહ્યાં છે. વિપક્ષ ઇમરાન ખાન ઉપર આર્થિક કુપ્રબંધનનો આરોપ લગાવીને તેમના રાજીનામાની માગણી કરી રહ્યો છે.
આ વાતચીતમાં સરકાર તરફથી પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન પરવેઝ ખટ્ટકે ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે પહેલા તબક્કાની વાર્તા લગભગ 2 કલાક ચાલી હતી. ખટ્ટકે જણાવ્યાં પ્રમાણે બેઠક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આયોજિત કરવામાં આવી હતી. જોકે ઘણી ચર્ચા બાદ પણ કોઇ મહત્ત્વપૂર્ણ નિષ્કર્ષ નથી નીકળી શક્યો પરંતુ વાતચીત જારી રખાશે. વિપક્ષમાં જેયુઆઈ-એફના નેતા દુર્રાનીએ કહ્યું કે વાતચીતમાંથી કોઇ નિષ્કર્ષ નથી નીકળી શક્યો. વિપક્ષે બુધવારે ઇમરાન ખાનની ઘોષણા બાદ સરકારી ટીમ સાથે વાતચીત માટે સહમતિ આપી હતી કે માર્ચને આગળ ધપવાની મંજૂરી આપવામાં આવે કેમ કે અદાલત દ્વારા નિર્દેશિત કોઇપણ કાયદાકાનૂનનું ઉલ્લંઘન નહીં કરીને યોગ્ય વિરોધ કરવામાં આવશે.
જેયુઆઈએફના પ્રમુખ મૌલાના ફઝલે જૂન માસમાં ઘોષણા કરી હતી કે તેમની પાર્ટીએ સરકાર હટાવવા માટે ઓક્ટોબર માસમાં ઇસ્લામાબાદમાં સરકાર વિરોધી લાંબી કૂચનું આયોજન કર્યું છે. ફઝલે પહોલાં 27 ઓક્ટોબરની તારીખ નિર્ધારિત કરી હતી પરંતુ બાદમાં 31 ઓક્ટોબર સુધી ટાળી દીધી હતી.
આ સંજોગોમાં આવનારા સમયમાં પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાનની મુશ્કેલીઓ થોડી વધવાની છે જેને લઇને પાકિસ્તાનમાં રાજકારણ ગરમાયું છે.