ઓપેક અને રશિયા ક્રૂડ ઉત્પાદનમાં કાપ માટે સંમત

વિયેનાઃ ક્રૂડ ઓઇલના ટોચના ઉત્પાદક દેશો કિંમતોમાં તેજી લાવવા માટે ઉત્પાદનમાં કાપ મૂકવા માટે સહમત થયા છે. કુવૈતના ઓઇલપ્રધાન ખાલિદ અલ-ફદેલે રવિવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે અમે ઉત્પાદન કાપ કરવાની સંમતિ કરવાની જાહેરાત કરીએ છીએ. ઓપેક તથા અન્ય ઉત્પાદક દેશ 1 મે થી પ્રતિ દિન ઉત્પાદનમાં એક કરોડ બેરલનો કાપ કરશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પેટ્રોલિયમ નિકાસકાર દેશોના જૂથ ઓપેક અનમે અન્ય ઓઇલ ઉત્પાદક દેશો પ્રતિદિન 9.7 મિલિયન બેરલ ઉત્પાદન ઓછું કરવા માટે સહમત થયા છે. આ દેશોનો ઇરાદો ક્રૂડની કિંમતો વધારવાનો છે. રશિયા અને સાઉદી અરેબિયાના વિવાદ તથા કોરોના વાઇરસ રોગચાળાને કારણે ક્રૂડ ઓઇલની ઘટેલી માગને લીધે વૈશ્વિક કિંમતો પ્રતિ બેરલ 30 ડોલરથી નીચે જતી હતી. આ નિર્ણયને પગલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે ઓપેક પ્લસની સાથે મહત્ત્વની ઓઇલ સમજૂતી થઈ હતી. આનાથી અમેરિકામાં ઊર્જા ક્ષેત્રે લાખ્ખો નોકરીઓ બચી જશે.

 

ટ્રમ્પે રશિયા અને સાઉદી અરેબિયાનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું હતું કે હું રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને સાઉદીના કિંગ સલમાનનો આભાર વ્યક્ત કરવા માગું છું. મેં હાલમાં ઓવલ ઓફિસથી તેમની સાથે વાત કરી. બધા માટે સારો સોદો.

કોરોના વાઇરસને લીધે ક્રૂડની માગમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જેના લીધે કિંમતો ઘટી ગઈ હતી. જેથી ઓઇલ ઉત્પાદક દેશોનું બજેટ બગડી ગયું હતું.