પ્યોંગયાંગ- જે જગ્યા ઉપરથી નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગે વિશ્વને તબાહ કરવાનું સપનું જોયું હતું, હવે એ જગ્યા ઉપર ખુદ કિમ જોંગને ડર લાગે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. એક પછી એક પરમાણું પરીક્ષણ કરીને કિમ જોંગે પોતાના જ દેશની જમીનને નીચેથી સાવ ખોખલી બનાવી દીધી છે. જેના લીધે જમીનની ટેક્નોનિક પ્લેટ ખસી રહી હોવાનું માનવામાં આવે છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે, નોર્થ કોરિયાની જમીનનું તાપમાન અંદરથી વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, નોર્થ કોરિયાના પ્યૂંગે-રી વિસ્તારમાં અત્યાર સુધીમાં કિંમ જોંગે ચાર વખત પરમાણું પરીક્ષણ કર્યા છે. એ પહેલા તેના પિતા કિમ જોંગ ઈલ જ્યારે સત્તામાં હતા ત્યારે તેમણે પણ આ વિસ્તારમાં બે વાર પરમાણું પરીક્ષણ કર્યું હતું.
દહેશતની જે શરુઆત કિમ જોંગ ઈલે શરુ કરી હતી, તેને કિમ જોંગ ઉને આગળ વધારી છે. કિમ જોંગે જ્યારથી નોર્થ કોરિયામાં સત્તાનું સુકાન સંભાળ્યું છે ત્યારથી ચાર વખત પરમાણું પરીક્ષણ કરી ચુક્યો છે. પરંતુ જે પરીક્ષણથી તે પોતાના દેશની સૈન્ય તાકાત વધારવા ઈચ્છે છે તે જ પરીક્ષણે હવે નોર્થ કોરિયા માટે મુશ્કેલી સર્જી છે.
પરીક્ષણના સાઈડ ઈફેક્ટ
નોર્થ કોરિયામાં કરવામાં આવેલા પરમાણું પરીક્ષણને લીધે ગત કેટલાક દિવસોમાં ત્યાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ત્રણ નોંધવામાં આવી હતી. તેમ છતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. જોકે કિમ જોંગને દેશના લોકોની તકલીફ સાથે કંઈ જ લેવાદેવા નથી અને તે પોતાના દ્વારા કરવામાં આવેલા પરમાણું પરીક્ષણની ઉજવણી કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ નોર્થ કોરિયા દ્વારા હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ બોમ્બની શક્તિ અમેરિકા દ્વારા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર ફેંકવામાં આવેલા અણુબોમ્બ કરતાં 10 ગણી વધારે ઘાતક છે.