વોશિંગ્ટન- નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના સાવકા ભાઈ કિમ જોંગ નૈમની હત્યામાં રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવી અમેરિકાએ નોર્થ કોરિયા પર નવા પ્રતિબંધ લગાવ્યા છે. આપને જણાવી દઈએ કે, કિમ જોંગ નૈમની ફેબ્રુઆરી 2017માં હત્યા કરવામાં આવી હતી.મળતી માહિતી મુજબ 13 ફેબ્રુઆરી 2017ના રોજ મલેશિયાની રાજધાની કુઆલાલંપુરના એરપોર્ટ પર કિમ જોંગ નૈમની હત્યા કરવામાં આવી હતી. જેની તપાસમાં સામે આવ્યું હતું કે, આ હત્યા માટે વીએક્સ નામના ઘાતક રસાયણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તપાસ પુરી થયા બાદ અમેરિકાએ નોર્થ કોરિયા પર નવા પ્રતિબંધ લાગુ કર્યા છે.
અમેરિકાએ ઉત્તર કોરિયા પર કેમિકલ એન્ડ બાયોલોજિકલ વ્હેપન્સ કંટ્રોલ એન્ડ વોરફેયર એલિમિનેશન એક્ટ 1991 અંતર્ગત પ્રતિબંધ લગાવ્યા છે. અમેરિકાના વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર આ પ્રતિબંધ ગત સોમવારથી લાગુ કરી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પ્રતિબંધની આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે કિમ જોંગે જણાવ્યું કે, તે કોરિયાઈ ટાપુ પ્રદેશમાંથી હથિયારોની સ્પર્ધા સમાપ્ત કરવા અને પોતાના પરમાણુ કાર્યક્રમને રોકવાને લઈને અમેરિકા સાથે ચર્ચા કરવા તૈયાર છે. કિમ જોંગની આ પહેલનું અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્વાગત કર્યું હતું. અને આશા વ્યક્ત કરી હતી કે, આ પહેલના સકારાત્મક પરિણામ આવશે. જોકે હવે નવા પ્રતિબંધ લાગુ કરાયા બાદ ફરી એકવાર તણાવ વધવાની શક્યતા છે.