હવે WHO માં ભારતને મહત્વની જવાબદારી મળશે

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના પ્રકોપની વચ્ચે ભારતને આગામી વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)માં મોટી જવાબદારી સોંપાવાની તૈયારી થઈ ચૂકી છે. આગામી મહિને મળનારી મિટિંગમાં ભારતને WHOના એક્ઝિક્યુટિવ બોર્ડમાં ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવશે. ભારતને આ જવાબદારી એવા સમયે સોંપવામાં આવશે, જ્યારે કોવિડ-19 રોગચાળાને જલદી ઓળખીને જાહેર કરવામાં મોડું કરવા બદલ વિશ્વભરમાં આ સંસ્થાની ચારે બાજુથી ટીકા થઈ રહી છે.

ભારતના નામનો પ્રસ્તાવ

સંયુક્ત રાષ્ટ્ર (UN)ની આરોગ્ય એજન્સી WHOને આ સમયે કોવિડ-19ને અટકાવવામાં ભારે નિષ્ફળતાનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર સુધી આ રોગચાળાને કારણે આશરે 1.9 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે અને 26 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યાં છે. કેટલાય દેશોમાં લોકડાઉન જારી છે અને આ વર્ષે અત્યાર સુધી એક લાખ કરોડ ડોલરથી વધુનું નુકસાન અર્થતંત્રને ખમવું પડ્યું છે.

ભારત 22 મેએ જવાબદારી સંભાળશે

ભારત 22 મેએ પોતાની જવાબદારી સંભાળશે. આ દરમ્યાન વર્લ્ડ હેલ્થ એસેમ્બલી કોન્ફરન્સની પહેલી મીટિંગ પછી આ જવાબદારી સોંપવામાં આવશે. ભારત આ બોર્ડમાં જાપાનની જગ્યા લેશે, જેણે એક વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. એક્ઝિક્યુટિવ બોર્ડના ચેરમેનની જવાબદારી ભારતને આપવામાં આવશે. આ વખતે પાછલા વર્ષે જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એ સમયે WHOની સાથે દક્ષિણ-પૂર્વ  એશિયા ગ્રુપે એકસાથે ત્રણ વર્ષના કાર્યકાળ માટે ભારતના નામને સમર્થન આપ્યું હતું.

 

આ ગ્રુપ દ્વારા ભારતને પ્રાદેશિક ગ્રુપ્સ માટે એક વર્ષના કાર્યકાળ માટે પણ નામાંકિત કર્યું હતું. એક્ઝિક્યુટિવ્સ બોર્ડમાં 34 સભ્યો છે અને એના ચેરપર્સનને ડિરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રિયિસિસની સાથે મળીને કામ કરવું પડશે. આ સિવાય ઇન્ડોનેશિયાની જગ્યાએ ભારતને WHOના પ્રોગ્રામ બજેટ અને વહીવટી સમિતિમાં પણ જગ્યાએ આપવામાં આવશે.