કાઠમંડુઃ નેપાળમાં તારા એર નામની એક સ્થાનિક એરલાઈનનું 22 મુસાફરો સાથેનું એક નાનું વિમાન આજે સવારે ટેકઓફ્ફ કર્યા બાદ ગાયબ થઈ ગયું હતું. બાદમાં સાંજે લગભગ 4 વાગ્યે નેપાલ આર્મીના એક હેલિકોપ્ટરને તેનો કાટમાળ લામ્ચે નદી પાસે પડેલો મળી આવ્યો હતો. ખરાબ હવામાનને કારણે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાનું મનાય છે. તે વિમાનમાં ચાર ભારતીય મુસાફરો પણ હતા. એમનાં નામ છેઃ અશોકકુમાર ત્રિપાઠી, ધનુષ ત્રિપાઠી, રિતીકા ત્રિપાઠી અને વૈભવી ત્રિપાઠી. આ તમામ એક જ પરિવારનાં સભ્યો હતાં અને મુંબઈનાં રહેવાસી હતા.
વિમાને આજે સવારે 9.55 વાગ્યે પોખરામાંથી ટેકઓફ્ફ કર્યું હતું અને 10.15 વાગ્યે પશ્ચિમી પર્વતમાળામાં આવેલા જોમસોમ એરપોર્ટ ખાતે લેન્ડ કરવાનું હતું, પરંતુ 15 મિનિટ બાદ કન્ટ્રોલ ટાવર સાથે તે સંપર્ક ગુમાવી બેઠું હતું. બાદમાં, નેપાલ ટેલિકોમ કંપનીએ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) નેટવર્ક મારફત વિમાનના પાઈલટ પ્રભાકર ઘિમિરેના સેલફોનને ટ્રેક કર્યો હતો અને ત્યારબાદ વિમાનનું લોકેશન માલુમ પડ્યું હતું. કેપ્ટન ઘિમિરેના ફોનમાં સતત રીંગ વાગતી હતી તેથી એવી શંકા ગઈ હતી કે વિમાનને કોઈક દુર્ઘટના નડી હોવી જોઈએ. ત્યારબાદ નેપાલ આર્મી અને નેપાલ પોલીસના જવાનો પગપાળા તે લોકેશન ખાતે વિમાનની શોધમાં રવાના થયા હતા. બાદમાં નેપાલ આર્મીના હેલિકોપ્ટરે મુસ્ટાંગ નગર નજીક કોવાંગ વિસ્તારમાં વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો હતો.
વિમાનમાં ચાર ભારતીય, બે જર્મન અને 13 નેપાળી મુસાફરો હતા. તે ઉપરાંત ત્રણ નેપાળી ક્રૂ સભ્યો પણ હતા. પાઈલટ ઘિમિરે ઉપરાંત સહ-પાઈલટ ઉત્સવ પોખરેલ અને એરહોસ્ટેસ કિસમી થાપા.
જોમસોમ પર્વતીય શહેર છે. પોખરા અને જોમસોમ વચ્ચેના એર રૂટ પર વિમાન પર્વતોની વચ્ચેથી ઉડતાં હોય છે અને પછી ખીણવિસ્તારના રનવે પર ઉતરતાં હોય છે. આ સ્થળ વિદેશી પર્યટકોમાં લોકપ્રિય છે. મુક્તિનાથ મંદિરમાં દર્શન કરવા આવતા ભારતીયો માટે પણ આ લોકપ્રિય સ્થળ છે.