કાઠમંડુઃ પશ્ચિમ નેપાળના મુગુ જિલ્લામાં ગઈ કાલે એક પેસેન્જર બસ રસ્તા પરથી સરકીને 300 મીટર નીચે ખીણમાં પડતાં ઓછામાં ઓછા 32 જણનાં કરૂણ મરણ નિપજ્યા છે અને બીજાં 12 જણ ઘાયલ થયાં છે. બસ મુગુના નેપાલગંજથી ગામગઢી જતી હતી. બસમાં સ્થળાંતરિત મજૂરો તથા અમુક વિદ્યાર્થીઓ પ્રવાસ કરતા હતા. વિદ્યાર્થીઓ દશૈન ઉત્સવની ઉજવણી કરવા એમના ઘેર જતા હતા ત્યારે અકસ્માત થયો હતો.
દુર્ઘટના ગઈ કાલે બપોરે લગભગ 12.30 વાગ્યે બની હતી. નેપાળના આર્મી જવાનોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘાયલ થયેલાઓને હેલિકોપ્ટર તથા એક ખાનગી એરલાઈન કંપનીએ પૂરા પાડેલા વિમાન દ્વારા ઉગારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બસની બ્રેક ફેઈલ થવાને કારણે અકસ્માત સર્જાયો હોવાનું કહેવાય છે. મૃતકોમાં બસના ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે.