લાહોરઃ સરહદો બનાવવા અને વિભાજનો કરવાની જૂની-પુરાણી વિચારસરણી હવે જરાય કામ નહીં કરે અને ભારત તથા પાકિસ્તાન, બંને દેશની જનતા શાંતિથી જીવવા ઈચ્છે છે, એમ નોબેલ શાંતિ ઈનામ વિજેતા સામાજિક કાર્યકર્તા મલાલા યુસુફઝાઈએ આજે કહ્યું છે. એમણે ભારપૂર્વક કહ્યું કે ભારત અને પાકિસ્તાન સારા મિત્રો બને એ જોવાનું તેમનું સપનું છે.
કન્યા શિક્ષણ માટે પાકિસ્તાનનાં આગ્રહી રહેલાં મલાલા પર 2012ના ઓક્ટોબરમાં તાલીબાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળી એમનાં માથા પર વાગી હતી, પરંતુ તે ચમત્કારિક રીતે ઉગરી ગયાં હતાં. એમણે આજે કહ્યું કે, ભારતમાં શાંતિપૂર્વક વિરોધ કરી રહેલાં કાર્યકર્તાઓની ધરપકડ કરાય છે અને એમની ઈન્ટરનેટ સુવિધાઓ બંધ કરી દેવામાં આવે છે એવા સમાચાર એમને ચિંતા ઉપજાવે છે. મલાલાએ એવી આશા વ્યક્ત કરી છે કે ભારત સરકાર લોકોની વાત જરૂર સાંભળશે. ભારત અને પાકિસ્તાન સારા મિત્રો બને અને આપણે એકબીજાના દેશની મુલાકાત લઈ શકીએ એ જોવાનું મારું સપનું છે. તમે પાકિસ્તાનના નાટકો જોવાનું ચાલુ રાખી શકો, અમે બોલીવૂડની ફિલ્મો જોવાનું અને ક્રિકેટ મેચોનો આનંદ માણવાનું ચાલુ રાખી શકીએ, એમ 2014માં દુનિયાનાં સૌથી યુવાન વયનાં નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા બનેલાં મલાલાએ વધુમાં કહ્યું છે.
