અબુ ધાબી – અબુ ધાબીના મિનિસ્ટર ઑફ ટોલરન્સ શેખ નાહ્યાન મબારક અલ નાહ્યાન દ્વારા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને રવિવારે યોજાયેલી ખાસ મજલિસમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા.
જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને મુકેશ અંબાણી, બી.આર.શેટ્ટી, યુસુફ અલી અને સની વારકી સહિત ૬૦ જેટલા જાણીતા ઉદ્યોગ માંધાતા માટે મિનિસ્ટર ઑફ ટોલરન્સ શેખ નાહ્યાન મબારક અલ નાહ્યાન દ્વારા આયોજિત આ વિશિષ્ટ મજલિસમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ હિઝ હાઈનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શિખરબદ્ધ બીએપીએસ હિંદુ મંદિરનિર્માણની સહિયારી ઘોષણાથી લઈને મંદિરનિર્માણ અંગેનો ઈતિહાસ વર્ણવ્યો. સાથોસાથ યુએઈના સમ્માનીય રાજાઓ દ્વારા સૌપ્રથમ અઢી એકર, પછી પાંચ એકર અને સાડાતેર એકર જમીન આપી હતી એ જણાવ્યું. ત્યાર બાદ ત્યાંના રાજાએ વધુ સાડાતેર એકર જમીન પાર્કિંગ માટે સેવામાં આપી તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો.
યુનાઇટેડ આરબ એમિરેટ્સની રાજધાની અબુ ધાબી ખાતે પરંપરાગત શૈલીના પ્રથમ શિખરબદ્ધ BAPS હિંદુ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ તા. ૧૮-૨૯ એપ્રિલ દરમિયાન ખાત મુહૂર્ત-શિલાન્યાસ વિધિ માટે UAEની ધર્મયાત્રાએ જઇ રહ્યાં છે. ૨૦મી એપ્રિલના રોજ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે પરંપરાગત શૈલીના પ્રથમ BAPS હિંદુ મંદિરનો શિલાન્યાસવિધિ અબુ મુરૈખા ખાતે સંપન્ન થશે.