મલેશિયાના નવા વડા પ્રધાન મોહિઉદ્દીન યાસિન

કુઆલા લમ્પુરઃ કાશ્મીર અને નાગરિકતા સંશોધિત કાયદા (CAA)ને લઈને વિવાદિત નિવેદન આપીને ભારત સાથે દુશ્મની લેવાવાળા મલેશિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન મહાતિર મોહમ્મદને મોટો ઝટકો લાગ્યો છે. તેમના સતત પ્રયત્નો છતાં તેમને નવા વડા વડા પ્રધાન નથી બનાવવામાં આવ્યા. રાજભવને મલેશિયાના ભૂતપૂર્વ ગૃહપ્રધાન મોહિઉદ્દીન યાસિનને નવા વડા પ્રધાન બનાવવાનો નિર્ણય લીધો છે. રાજભવનના અધિકારીઓએ જણાવ્યું હતું કે મોહિઉદ્દીન યાસિન રવિવારે વડા પ્રધાનપદના શપથ લેશે.

મોહિઉદ્દીન યાસિન મલેશિયાના નવા વડા પ્રધાન

વડા પ્રધાનપદથી રાજીનામું આપનારા મહાતિર મોહમ્મદ સતત આ પદ માટે દાવો કરી રહ્યા હતા અને કહેતા હતા કે મારી પાસે વડા પ્રધાન પદ માટે પર્યાપ્ત સંખ્યા છે. જોકે મલેશિયાના રાજાએ તેમના પ્રયત્નો પર પાણી ફેરવતાં નવા વડા પ્રધાન તરીકે મોહિઉદ્દીન યાસિનને નિયુક્ત કર્યા છે.

મહાતિર મોહમ્મદના નિવેદન પર ભારતે વિરોધ નોંધાવ્યો હતો

આ પહેલાં મહાતિરે જે રીતે કાશ્મીર અને નાગરિકતા સંશોધન કાનૂનને લઈને નિવેદન કર્યું હતું કે એ સામે ભારતે વિરોધ નોંધાવ્યો હતો. ભારતે કહ્યું હતું કે કાશ્મીર અને CAA મુદ્દા ભારતના આંતરિક મામલા છે અને એની પર બોલવાનો મલેશિયાના વડા પ્રધાનને કોઈ અધિકાર નથી.