ઈસ્લામાબાદ – પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને આજે એવો દાવો કર્યો છે કે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની 370મી કલમને રદ કરીને ઐતિહાસિક છબરડો કર્યો છે. આમ કરીને એમણે કશ્મીરની આઝાદીનો માર્ગ મોકળો કરી આપ્યો છે.
કશ્મીરની 370મી કલમના મામલે ભારતને ઠપકો આપવાની પાકિસ્તાનની માગણીને દુનિયાના દેશોએ જાકારો આપી દીધો હોવા છતાં ઈમરાને આજે કશ્મીર મુદ્દે દેશવાસીઓને સંબોધિત કર્યા હતા અને કહ્યું કે આપણે રાજદ્વારી મોરચે જીત હાંસલ કરી છે. આપણે કશ્મીર પ્રશ્નને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપ્યું છે. મેં દુનિયાના દેશોનાં વડાઓ સાથે વાત કરી છે, એમની દૂતાવાસોના અધિકારીઓ સાથે વાત કરી હતી અને યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલે કશ્મીર અંગે 1965ની સાલ બાદ પહેલી જ વાર વિશેષ સત્ર બોલાવ્યું હતું.
ઈમરાને કહ્યું કે મારી સરકારની નીતિ ભારત અને અફઘાનિસ્તાન સહિત અન્ય દેશો સાથે શાંતિપૂર્ણ સંબંધો જાળવવાની છે. મેં ભારતને કહ્યું જ હતું કે જો તમે એક ડગલું આગળ વધશો તો અમે બે ડગલાં આગળ વધીશું. અમારો મુખ્ય મુદ્દો કશ્મીર છે. પરંતુ જ્યારે અમે ભારત સાથે મંત્રણાની વાત કરીએ છીએ ત્યારે તેઓ દૂર હટી જાય છે અને પાકિસ્તાન સામે આરોપો લગાવે છે.
ક્રિકેટરમાંથી નેતા બનેલા ઈમરાને કહ્યું કે પાકિસ્તાન અને ભારત બંને પાસે અણુબોમ્બ છે. અણુયુદ્ધમાં કોઈ જીતે નહીં, પરંતુ એની અસર દુનિયા આખીને થાય.
ઈમરાને કહ્યું કે પોતે 27 સપ્ટેંબરે ન્યુ યોર્કમાં યુએન મહાસમિતિની બેઠકમાં કશ્મીરનો મુદ્દો ઉઠાવવાના છે અને દુનિયાના નેતાઓને મળવાના છે.