કશ્મીર મામલે માથું મારવાનું ટ્રમ્પે માંડી વાળ્યું; મોદીએ પણ કહ્યું, અમારે ત્રીજા પક્ષની જરૂર નથી

બિયારિત્ઝ (ફ્રાન્સ) – વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અહીં G7 શિખર સંમેલન દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન ટ્રમ્પે કશ્મીર મામલે એમનું અગાઉનું વિધાન ફેરવી તોળ્યું અને કહ્યું કે કશ્મીર વિવાદને ભારત અને પાકિસ્તાને સાથે મળીને ઉકેલી દેવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે તાજેતરમાં બે વાર કહ્યું હતું કે વડા પ્રધાન મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન કહે તો હું કશ્મીર સમસ્યાને ઉકેલવા માટે મધ્યસ્થી કરવા તૈયાર છું.

જોકે આજે અહીં મોદી સાથેની મુલાકાત વખતે એમની હાજરીમાં જ ટ્રમ્પે ફેરવી તોળ્યું હતું અને કશ્મીર મામલે હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો હતો. એમણે કહ્યું કે મેં ગઈ કાલે રાતે જ વડા પ્રધાન મોદી સાથે કશ્મીર મુદ્દે ચર્ચા કરી હતી. મોદીને ખરેખર એવું લાગે છે કે મામલો એમના નિયંત્રણમાં છે. તેઓ પાકિસ્તાન સાથે પણ ચર્ચા કરે છે અને મને ખાતરી છે કે તેઓ કંઈક કરી શકશે જે ઘણું જ સરસ હશે.

વડા પ્રધાન મોદીએ પણ ટ્રમ્પની હાજરીમાં જ કશ્મીર મામલે સ્પષ્ટપણે કહી દીધું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ વિવાદો એમની આપસના છે. અમે કોઈ ત્રીજા દેશને પીડા આપવા માગતા નથી.

ટ્રમ્પે પણ મોદીની વાતને સમર્થન આપ્યું હતું અને કહ્યું કે મને મોદી પર પૂરો ભરોસો છે. ભારત અને અમેરિકા બંનેનાં લોકતાંત્રિક મૂલ્યોને સાથે લઈને ચાલનારા દેશો છે.

મોદીએ કહ્યું કે ભારત અને પાકિસ્તાને સાથે મળીને ગરીબી સામે લડવું જોઈએ. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દ્વિપક્ષીય મુદ્દાઓ છે. પાકિસ્તાનમાં ચૂંટણી પૂરી થઈ ગયા બાદ મેં પાકિસ્તાનના પીએમને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે પાકિસ્તાને બીમારી, ગરીબી અને અપૂરતા શિક્ષણની સમસ્યા સામે લડવું જોઈએ. બંને દેશે સાથે મળીને આ સમસ્યાઓ સામે લડવું જોઈએ. બંને દેશે જનતાના ભલા માટે કામ કરવું જોઈએ. પ્રમુખ ટ્રમ્પ સાથે પણ અમારી આ બાબતમાં ચર્ચા થતી રહે છે.

G-7 ગ્રુપમાં ભારત સભ્ય દેશ નથી, પરંતુ વડા પ્રધાન મોદીને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોંએ અંગત રીતે આપેલા આમંત્રણને માન આપીને બિયારિત્ઝ સંમેલનમાં હાજરી આપવા આવ્યા છે.

આ મુલાકાત વખતે મોદી અને ટ્રમ્પ એકદમ મિત્રભાવે મળ્યા હતા. ટ્રમ્પે થોડીક મજાક પણ કરી હતી અને કહ્યું, ‘એ (પીએમ મોદી) વાસ્તવમાં ઘણું જ સરસ અંગ્રેજી બોલે છે, બસ એમને વાત કરવી નથી.’