જેરુસલેમ: ઈઝરાયલમાં એક વર્ષની અંદર ત્રીજી વખત સંસદીય ચૂંટણી યોજવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ચૂંટણી 2 માર્ચ 2020માં યોજાશે. ગયા સપ્ટેમ્બરમાં થયેલી સંસદીય ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમત ન મળવાને કારણે રાષ્ટ્રપતિ રુવેન રિવલિને પહેલા વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુ અને ત્યારબાદ વિપક્ષના નેતા બેની ગેંટ્સને સરકાર રચવાની તક આપી હતી.
ઈઝરાયલી સંસદને ભંગ કરવા માટે ગુરુવારે રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવના પક્ષમાં 94 સાંસદોએ મતદાન કર્યું જ્યારે વિરોધમાં એક પણ મત નહતો પડયો. બન્ને નેતા બુધવારની સમયસીમા સુધીમાં ગઠબંધન સરકાર બનાવાવમાં નિષ્ફળ રહ્યા. નેતન્યાહુ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે ઈઝરાયલમાં એક વર્ષની અંદરમાં ત્રીજી વખત સંસદીય ચૂંટણી યોજાશે. નેતન્યાહુએ કહ્યું કે, તેમના સત્તા પરથી હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સામે પક્ષે ટીકાકારોનો આરોપ છે કે, વડાપ્રધાન કાનૂન વ્યવસ્થાને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. 70 વર્ષીય નેતન્યાહુ નવી સરકાર ન બને ત્યાં સુધી કાર્યકારી પ્રધાનમંત્રી તરીકે ચાલુ રહેશે.
ઈઝરાયલમાં ગત 17 સપ્ટેમ્બરે થયેલી સંસદીય ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમત મળ્યો ન હતો. નેતન્યાહુની લિકુડ પાર્ટીને 32 અને ગેંટ્સની બ્લૂ એન્ડ વ્હાઈટ પાર્ટીને 33 બેઠકો મળી હતી. અન્ય સીટો પર નાની પાર્ટીઓએ જીત મેળવી હતી. એ અગાઉ એપ્રિલમાં યોજાયેલી ચૂંટણીમાં પણ કોઈ પક્ષને સરકાર રચવા માટે જરૂરી બહુમત નહતો મળ્યો.