લંડનઃ બ્રિટનના પોર્ટ ટૈલબોટ, વેલ્સ સ્થિત ટાટા સ્ટીલ પ્લાન્ટમાં ત્રણ વિસ્ફોટ થયા છે. વિસ્ફોટ બાદ પ્લાન્ટની આસપાસ રહેનારા લોકોએ પોલીસને આની માહિતી આપી હતી. અત્યારસુધી 2 લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી છે. જો કે હજી વિસ્ફોટ કયા કારણે થયો તે મામલે કોઈ સ્પષ્ટતા પ્રાપ્ત નથી થઈ.
સાઉથ વેલ્સ પોલીસે ટ્વીટ કરીને કહ્યું કે તેમને ટાટા સ્ટીલ પ્લાન્ટમાં ઘટનાની જાણકારી છે. ઈમરજન્સી સેવાઓ અત્યારે ત્યાં પહોંચાડવામાં આવી રહી છે. સ્થાનીય લોકોએ કહ્યું કે વિસ્ફોટ સ્થાનિક સમય અનુસાર રાત્રે આશરે 3.30 વાગ્યે થયો. પ્લાન્ટમાં 4 હજારથી વધારે કર્મચારીઓ કાર્ય કરે છે. ટાટા સ્ટીલ યૂરોપે 2 કર્મચારીઓના ઘાયલ થયા હોવાની વાતની પુષ્ટી કરતા કહ્યું કે આગ ઓલવાઈ ગઈ છે અને તપાસ શરુ કરવામાં આવી છે.
પ્રારંભિક સૂચનાઓથી ખ્યાલ આવે છે કે પીગળેલી ધાતુને લાવવા અને લઈને જનારી ટ્રેનથી વિસ્ફોટ થયો. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે વિસ્ફોટના કારણે કેટલીક જગ્યાએ આગ લાગી હતી. આને લઈને કેટલીક ઈમારતોને નુકસાન થયું છે. અત્યારે આગ કાબૂમાં છે.
પ્લાન્ટની આસપાસ રહેનારા કેટલાક લોકોએ કહ્યું કે વિસ્ફોટ એટલા જોરદાર હતા કે તેમના ઘર થોડી ક્ષણો સુધી હલતા રહ્યા. દૂર સુધી આગની જ્વાળાઓ જોવા મળી. વિસ્ફોટના અવાજથી અચાનક લોકો ઉઠી ગયા અને ભાગવા લાગ્યા.