લંડન- લંડન શહેરના એરપોર્ટ પાસે બીજા વિશ્વયુદ્ધના સમયનો બોમ્બ મળી આવ્યો છે. આ બોમ્બ મળી આવ્યા બાદ લંડન સિટી એરપોર્ટને સુરક્ષા કારણોથી બંધ કરી દેવામાં આવ્યું છે. આ બોમ્બ ટેમ્સ નદીના જોર્જ વી ડૉક પાસેથી મળી આવ્યો છે. બોમ્બ મળ્યાની જાણ થયા બાદ બોમ્બ ડિફ્યૂઝ કરનારી ટીમ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી.બોમ્બ મળી આવ્યા બાદ લંડન સિટી એરપોર્ટ દ્વારા પ્રવાસીઓને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, તેઓ એરપોર્ટ તરફ જવાનું ટાળે. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, પ્રવાસીઓ પોતાની ફ્લાઈટની સ્થિતિ જાણવા તેમની એરલાઈન્સ કંપનીને ફોન કરીને સંપર્ક કરે.
સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને હાલમાં વિમાનોના આવાગમન પર રોક લગાવવામાં આવી છે. બોમ્બ ડિફ્યૂઝ કરનારી ટીમ અને રોયલ નેવી બોમ્બને નિષ્ક્રિય કરવાના પ્રયાસમાં લાગી ગઈ છે.
આ કારણે એરપોર્ટ તરફ આવતા અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અથવા ડાયવર્ટ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ એરપોર્ટ પાસે કેટલાક કર્મચારી કામ કરી રહ્યાં હતાં. જેણે આ બોમ્બ મળ્યો હોવાની માહિતી આપી હતી. કર્મચારીઓએ બોમ્બ મળ્યાંની સુચના એરપોર્ટ ઓથોરિટીને આપી હતી.