લાહૌર: પાકિસ્તાનના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની મોતની સજામાંથી હાલપૂરતો રાહત આપતો આદેશ સોમવારે લાહૌર હાઈકોર્ટે આપ્યો છે. વિશેષ અદાલતે ઈમર્જન્સી લાગુ કરવાના કેસમાં 17 ડિસેમ્બરના રોજ મુશર્રફને મોતની સજા ફરમાવી હતી, હાઈકોર્ટે કહ્યું કે મુશર્રફના કેસ માટે બનાવાયેલી આ વિશેષ અદાલતની રચના જ ગેરબંધારણીય છે.
લાહોર હાઈકોર્ટે કહ્યું છે કે મુશર્રફ સામે ખાસ ટ્રીબ્યુનલનો ચુકાદો ગેરબંધારણીય છે. તેમની સામે નોંધવામાં આવેલ કેસ તેમ જ વિવિધ દલીલો કરવામાં આવી હતી તે ગેરકાનૂની છે. આ સાથે હાઈકોર્ટે વિશેષ અદાલતના ચુકાદાને ઉલટાવી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુશર્રફના વકીલોએ વિશેષ અદાલત તરફથી મોતની સજા મળ્યા બાદ લાહોર હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જેનો અંતિમ ફેસલો હજી સુરક્ષિત છે.
મુશર્રફના વિરોધીઓ પાસે હજી નવેસરથી કેસ દાખલ કરવાનો વિકલ્પ છે, કારણ કે આ ફેંસલામાં હાઈકોર્ટે મુશર્રફ સામે મૂકવામાં આવેલા આરોપોની તપાસ કરનાર સમિતિ અને એના પર ફેંસલો સંભળાવનાર કોર્ટની રચનાઓને ગેરકાયદે ગણાવી છે, પણ મુશર્રફ સામેના આરોપો સંપૂર્ણપણે રદબાતલ નથી કર્યા.
