ભારતે અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગ (USCIRF)ના તાજેતરના અહેવાલને સખત શબ્દોમાં નકારી કાઢ્યો છે. ભારતનું કહેવું છે કે આ આયોગ પોતે જ ચિંતાનો વિષય બની ગયો છે. USCIRFના અહેવાલમાં ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) પર હત્યાના કાવતરામાં સંડોવણીનો આરોપ લગાવીને તેના પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરવામાં આવી હતી.
વિદેશ મંત્રાલયે આ અંગે કડક પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે ભારતની લોકશાહી અને સહિષ્ણુતાની છબીને ડામાડોળ કરવાના આવા પ્રયાસો ક્યારેય સફળ થશે નહીં. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અહેવાલને ‘એકપક્ષી અને રાજકીય રીતે પ્રેરિત’ ગણાવ્યો. તેમણે કહ્યું કે USCIRF દ્વારા વારંવાર ખોટી રીતે ઘટનાઓને રજૂ કરીને ભારતની વૈવિધ્યસભર અને બહુસાંસ્કૃતિક સમાજ પર શંકા ઉભી કરવામાં આવે છે, જે ધાર્મિક સ્વતંત્રતા માટેની સાચી ચિંતા નહીં, પરંતુ એક ઇરાદાપૂર્વકનું ષડયંત્ર દર્શાવે છે. મંત્રાલયે ઉમેર્યું કે આવા અહેવાલોને બદલે USCIRFની પોતાની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થવા જોઈએ.
USCIRFના અહેવાલમાં શું હતું?
USCIRFના 2025ના વાર્ષિક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે 2024 દરમિયાન ભારતમાં ધાર્મિક લઘુમતીઓ પર હુમલા અને ભેદભાવની ઘટનાઓમાં વધારો થયો છે. અહેવાલમાં ભાજપ પર લોકસભા ચૂંટણી દરમિયાન મુસ્લિમો અને અન્ય ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ ‘નફરત ફેલાવતી ટિપ્પણીઓ’નો પ્રચાર કરવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, રિપોર્ટમાં ભારતની ગુપ્તચર એજન્સી RAW પર સિખ અલગાવવાદીઓની હત્યાના કાવતરામાં સામેલ હોવાનો ઉલ્લેખ કરીને તેના પર પ્રતિબંધની ભલામણ કરવામાં આવી છે. આ અમેરિકી પેનલે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારને ભારતને ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘન માટે ‘ખાસ ચિંતાજનક દેશ’ જાહેર કરવાની સલાહ આપી છે.
ભારતનો જવાબ
વિદેશ મંત્રાલયે આ રિપોર્ટને નકારતાં કહ્યું કે ભારતની વિવિધતા અને સહિષ્ણુતાની પરંપરા વિશ્વભરમાં જાણીતી છે. USCIRFના આવા પ્રયાસો ભારતની છબીને ખરડવાનો નિષ્ફળ પ્રયત્ન છે. પ્રવક્તાએ ઉમેર્યું કે આ આયોગે પોતાની જવાબદારીને બદલે રાજકીય એજન્ડાને આગળ ધપાવવાનું કામ કર્યું છે, જેનાથી તેની પોતાની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉભા થાય છે.
