નવી દિલ્હી: ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસથી કેટલા લોકોના મોત થયા તેને લઈને રહસ્ય વધી રહ્યું છે. વુહાનના સ્થાનિક લોકોનું માનવું છે કે ચીની અધિકારીઓના દાવા કરતા બિલકુલ ઉલટુ અહીં ઓછામાં ઓછા 42,000 લોકોના મોત કોરોના વાયરસથી થયા છે. આ અગાઉ ચીનના અધિકારીઓએ દાવો કર્યો હતો કે વુહાનમાં માત્ર 3200 લોકોના મોત થયા છે.
ચીની અધિકારીઓના જણાવ્યાં મુજબ ચીનના હુબેઈ પ્રાંતના વુહાન શહેરના માર્કેટથી પેદા થયેલા કોરોના વાયરસથી સમગ્ર દેશમાં 3300 લોકોના મોત થયા છે જ્યારે 81,000 લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 3182 લોકોના મોત તો ફક્ત હુબેઈ પ્રાંતમાં થયા છે. આ બધા વચ્ચે વુહાનના સ્થાનિક નાગરિકોએ દાવો કર્યો કે 500 અસ્થિ કલશ દરરોજ મૃતકોના પરિજનોને અપાય છે.
અસ્થિ કલશ આપવાનો આ સિલસિલો સાત અલગ અલગ અંતિમ સંસ્કાર સ્થળોથી ચાલુ છે. આ આંકડાના અનુમાન લગાવીએ તો દરેક 24 કલાકે 3500 અસ્થિ કલશ અપાયા. હાંકૂ, વુંચાંગ, અને હનયાંગમાં લોકોને કહેવાયું કે તેમને 5 એપ્રિલના રોજ અસ્થિ કલશ મળશે. આ જ દિવસે કિંગ મિંગ મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. જેમાં લોકો પોતાના પૂર્વજોની કબર પર જાય છે.
આ રીતે અનુમાન લગાવીએ તો આગામી 12 દિવસમાં 42,000 અસ્થિ કલશ વિતરણ કરાશે. આ અગાઉ રિપોર્ટમાં કહેવાયું હતું કે હાંકુમાં જ ફક્ત બે વારામાં 5000 અસ્થિ કલશ અપાયા છે. અત્રે જણાવવાનું કે આ અહેવાલ એવા સમયે આવ્યાં છે કે જ્યારે લગભગ બે મહિનાના લોકડાઉન બાદ જનતાને છૂટ અપાઈ છે. જે લોકો પાસે ગ્રીન હેલ્થ સર્ટિફિકેટ છે તેમને જવાની મંજૂરી અપાઈ છે.
વુહાનમાં રહેતા ઝાંગ કહે છે કે ચીન સરકાર તરફથી અપાયો મોતનો અધિકૃત આંકડો યોગ્ય નથી કારણ કે લાશોને બાળવાનું કામ 24 કલાક ચાલે છે. તેમણે સવાલ કર્યો કે જો આટલા ઓછા મોત થયા તો અંતિમ સંસ્કાર કરનારા લોકોએ 24 કલાક કામ કેમ કરવું પડે છે. વુહાનમાં રહેતા માઓએ કહ્યું કે કદાચ અધિકારીઓ ધીરે ધીરે મોતનો યોગ્ય આંકડો બહાર પાડી રહ્યાં છે. આ જાણી જોઈને છે કે પછી અજાણતા…જેથી કરીને લોકો ધીરે ધીરે વાસ્તવિકતા સ્વીકારી લે.
હુબેઈ પ્રાંતના એક સૂત્રએ જણાવ્યું કે અનેક લોકો તો કોઈ પણ અધિકૃત સારવાર વગર જ પોતાના ઘરોમાં મરી ગયાં. તેમણે કહ્યું કે એક મહિનામાં જ 28000 જેટલા લોકોના અંતિમ સંસ્કાર કરાયા. આ બધા વચ્ચે ચીનના અધિકૃત આંકડા જાણીએ તો ઈટાલી અને અમેરિકા પણ હવે ચીનથી આગળ નીકળી ગયા છે. ઈટાલીમાં 10000 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે 97000 લોકો સંક્રમિત થયા છે. અમેરિકામાં પણ 1 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે.