બામાકોઃ પૂર્વ આફ્રિકન દેશ માલીમાં જેહાદીઓનો આતંક વધી ગયો છે. અહીયા સિવિલ વોર પોતાની હદ વટાવી ચૂક્યો છે. ત્યારે વધુ એક અરેરાટી ભરી ઘટના સામે આવી છે. મધ્ય માલીમાં એક ગામમાં જેહાદી ગ્રુપ દ્વારા 115 લોકોની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. ગામના સરપંચ સહિત તેમના પરિવાર સાથે જેહાદીઓ દ્વારા કુલ 115 લોકોની ક્રુર હત્યા કરી નાંખી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે મધ્ય માલીનાં પિયૂલ સમુદાયના ઓગોસાગૂ ગામમાં સ્થાનિક શિકારી સમુદાય ડોગોને હુમલો કરીને 115 લોકોની હત્યા કરી દીધી હતી. ગામનાં સરપંચ ઈગોસ્સાગોની પણ તેમના બાળકો સાથે હત્યા કરી દેવામા આવી હતી.
સૈન્ય સૂત્રોએ આ ઘટનાની જાણકારી રવિવારે આપી હતી. ગામના નજીકના શહેર બંકાસના મેયર મોલાએ ગુઈંદોએ આ હુમલાને અહીં થનારા હુમલાઓમાં સૌથી મોટો જેહાદી હુમલો ગણાવ્યો હતો.
મેયરે જણાવ્યું કે, દોંજો શિકારીના વેશમાં આવેલા લોકોએ સવારે આશરે 4 વાગે ગોળીઓનો વરસાદ કર્યો હતો. મૃતકોમાં ગર્ભવતી મહિલાઓ અને વુદ્ધ પણ સામેલ છે. ઓગોસાગૂના રહેવાસી એક વ્યક્તિએ જણાવ્યું કે, આ હુમલો અલકાયદા સાથે જોડાયેલા સંગઠનના બદલા સામેની કાર્યવાહી હતી, જે સંગઠનને ગત શુક્રવારે 23 સૈનિકોએ ઠાર કરવાની જવાબદારી લીધી હતી.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માલીમાં ચાલી રહેલી હિંસાની તપાસમાં લાગી ગઈ છે. ગત દિવસોમાં તેમના પ્રતિનિધી અહી આવ્યા હતા. એવામાં એવું પણ મનાઈ રહ્યું છે કે શનિવારે થયેલો હુમલો સંયુક્ત રાષ્ટ્રની દખલગીરીના વિરોધમાં કરવામાં આવ્યો હતો.
તુઆરેગ વિદ્રોહ લીબિયામાં ગદ્દાફી માટે લડતા હતા. 2011-12માં આ લોકો માલીમાં પ્રવેશ કરવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદથી જ અહીં અરાજકતા ફેલાઈ છે. ફ્રાન્સે આ જેહાદીઓને ખસેડવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. સરકાર અને વિદ્રોહી વચ્ચે 2014માં કરાર થયો, પરંતુ ઉત્તર-પૂર્વી માલીનો મોટા ભાગનો હિસ્સો આ વિદ્રોહીઓના કબ્જામાં જ છે.
ગત વર્ષે પણ આ વિદ્રોહીઓએ 100થી વધુ લોકોની હત્યા કરી દીધી હતી. ત્યારથી હિંસા વધી રહી છે. માલી સેના અને નાગરિક સેના સભ્ય આતંક ખતમ કરવા માટે સતત કામ કરી રહી છે. માલીને 1960માં ફ્રાંસથી આઝાદી મળી હતી.