વેનિસઃ ઈટાલીના આ શહેરમાં પર્યટકોને લઈ જતી એક બસ મંગળવારે મોડી રાતે ફ્લાઈઓવર પરથી નીચે પડતાં બસના ઈટાલીયન ડ્રાઈવર, બે બાળકો સહિત 21 જણના કરૂણ મરણ નિપજ્યા છે. આ અકસ્માતમાં બીજાં 15 જણને ઈજા પણ થઈ છે. ઈટાલીના સત્તાવાળાઓએ આ અકસ્માત વિશે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તે ઈલેક્ટ્રિક બસ હતી અને એમાં વિદેશી પર્યટકો હતાં, જેઓ એક દિવસની ટ્રિપ પૂરી કર્યા બાદ મેસ્ટ્રા શહેરથી વેનિસ પાછાં ફરી રહ્યાં હતાં.
બસ ફ્લાઈઓવર પરની રેલિંગને તોડીને 33 ફૂટ નીચે પડી હતી અને તરત જ એમાં આગ લાગી હતી. અકસ્માત સ્થાનિક સમય મુજબ રાતે લગભગ 8 વાગ્યે બન્યો હતો. આ રોડ સામાન્ય રીતે વાહનવ્યવહાર માટે ખૂબ જ વ્યસ્ત રહેતો હોય છે. તે મેસ્ટ્રા અને વેનિસ શહેરોને જોડે છે. મૃતકોમાં પાંચ યૂક્રેનવાસીઓ હતા જ્યારે એક જર્મન નાગરિક હતો. અકસ્માતમાં એક નાનું બાળક અને 12 વર્ષનો એક છોકરો પણ મૃત્યુ પામ્યા છે. ઈજાગ્રસ્તોમાં જર્મન, ફ્રેન્ચ, ક્રોએશિયન, સ્પેનિયાર્ડ અને ઓસ્ટ્રિયન નાગરિકોનો સમાવેશ થાય છે. પોલીસનું માનવું છે કે બસના ડ્રાઈવરને ઝોકું આવી ગયું હશે અને તેને કારણે એ સ્ટિયરિંગ પરનો અંકુશ ખોઈ બેઠો હશે અને બસ ફ્લાઈઓવર પરથી નીચે પડી હશે.
ઈલેક્ટ્રિક બસ એક વર્ષ જૂની હતી અને તે સારી કન્ડિશનમાં હતી. તે છતાં એની બેટરીઓની તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માત અંગે ઈટાલીનાં મહિલા વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોની તથા અન્ય નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે.