વોશિંગ્ટનઃ અમેરિકા દ્વારા હાલના દિવસોમાં ચીનના જાસૂસી (બલૂન) ફુગ્ગાને પાડ્યા પછી હવે એક રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ ચીન માત્ર અમેરિકા જ નહીં, ભારત ને જાપાન સહિત અનેક દેશોની જાસૂસી કરી રહ્યું છે. ચીને ભારત સહિત અનેક દેશોને ટાર્ગેટ કરતા જાસૂસી ફુગ્ગાને સંચાલિત કરીને આ દેશોની સેનાની માહિતી એકત્ર કરી છે. જે દેશોમાં ચીનની સામરિક રુચિ છે, એની જાસૂસી પીપલ્સ લિબરેશન આર્મી જાસૂસી ફુગ્ગાનો ઉપયોગ કરતી હતી, એમ રિપોર્ટ કહે છે.
વોશિંગ્ટન પોસ્ટમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ ચીનના દક્ષિણ તટથી દૂર હૈનાન પ્રાંતના પાછલા દિવસોમાં કેટલાય જાસૂસી ફુગ્ગા સંચાલિત કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પાછલા મહિનાઓમાં હવાઈ, ફ્લોરિડા, ટેક્સાસ અને ગુઆમમાં કમસે કમ ચાર ફુગ્ગા જોવા મળ્યા હતા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ વેન્ડી શર્મને ચીની ફુગ્ગાને નિશાન બનાવ્યા પછી એની માહિતી 40 દૂતાવાસોના 150 અધિકારીઓને આપી છે. અમેરિકાએ ચીનના જાસૂસી ફુગ્ગાને તોડી પાડવાની મંજૂરી આપી હતી. ત્યાર બાદ અમેરિકી એરફોર્સે હાઇ ટેક F-22 રેપ્ટર એરક્રાફ્ટની મદદથી ચીની ફુગાવાને તોડી પાડ્યો હતો. ત્રણ બસોના આકારવાળા આ ફુગ્ગાને તોડી પાડવાથી કોઈ નુકસાન ના થાય એટલા માટે ફુગ્ગાને એટલાન્ટિક સમુદ્રની ઉપર આવવાની રાહ જોવામાં આવી હતી.
આ પહેલાં પણ જાસૂસીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો
પાછલા દિવસોમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે બે લોકોને જાસૂસીના આરોપમાં ધરપકડ કરી હતી. બંને ચીની નાગરિક અહીં નોકરીને બહાને આવ્યા હતા. તેઓ ભારતની સંવેદનશીલ માહિતીઓ ચીન મોકલી રહ્યા હતા. જાસૂસી એજન્સીઓ ઘણા સમયથી તેમના પર ધ્યાન રાખી રહી હતી.