ભારતીય મૂળના વૈજ્ઞાનિક રતન લાલને મળ્યો ‘વિશ્વ ખાદ્ય પુરસ્કાર’

વોશિગ્ટન: જાણીતા ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિક રતન લાલ (સોઈલ સાયન્ટિસ્ટ)ને વિશ્વ ખાદ્ય પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. રતન લાલને 2,50,000 અમેરિકન ડોલરનું પુરસ્કાર મળશે. રતન લાલને આ સન્માન ઈનોવેટિવ માટી સંરક્ષણ ટેકનિકો પર છેલ્લા પાંચ દાયકામાં કરેલા પ્રયાસો બદલ આપવામાં આવી રહ્યું છે.

રતન લાલે કહ્યું કે, મને વિશ્વભરમાં ખેડૂતો માટે કામ કરવાનો વિશેષ અવસર મળ્યો છે અને સન્માન મળ્યું છે, તે બદલ હું આભારી છું. 2020નો વિશ્વ ખાદ્ય પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ ખૂબ જ ખુશી અને ઉત્સાહ છે.

મહત્વનું છે કે, વર્લ્ડ ફૂડ પ્રાઈઝ ફાઉન્ડેશન દ્વારા આ પુરસ્કાર 1987થી આપવામાં આવી રહ્યો છે. પુરસ્કાર આપતી વખતે રતન લાલની પ્રશંસામાં કહેવામાં આવ્યું કે, તેમણે ચાર મહાદ્વીપના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. રતનલાલની ટેકનિકને પરિણામે આજે 50 કરોડથી વધુ નાના ખેડૂતો તેમની આજીવિકાને સુધારવામાં સફળ રહ્યા છે. જ્યારે બે અબજથી વધુ લોકોને આહાર અને પોષણની યોગ્ય વ્યવસ્થા કરવાના પ્રયાસોમાં પણ સકારાત્મક બદલાવ આવ્યો છે.

રતન લાલ, પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ અને જળવાયુ પરિવર્તનના પ્રભાવને ઓછો કરતા ખાદ્ય ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે માટી કેન્દ્રિત આઈડિયા તૈયાર કરે છે.