ઈસ્લામાબાદઃ પુલવામા આતંકી હુમલા પર જ્યાં ભારતમાં આખામાં રોષ વ્યાપેલો છે ત્યાં જ પાકિસ્તાને આ મામલે ભારતને યુદ્ધ પર ખુલ્લી ધમકી આપી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એક ટીવી સંદેશમાં મંગળવારના રોજ પુલવામા હુમલામાં પાકિસ્તાનની સંડોવણીને સ્પષ્ટપણે ફગાવી દીધી. ઈમરાને કહ્યું કે ભારતે કોઈપણ પ્રકારના સબૂત વગર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે જો ભારત પાકિસ્તાન પર સૈન્ય કાર્યવાહી કરશે તો અમે પણ સામો જવાબ આપીશું.
ઈમરાને આરોપ લગાવ્યો કે ભારતમાં ચૂંટણીનું વર્ષ છે અને ત્યાના નેતાઓ પાકિસ્તાનને સબક શીખવાડવાની વાત કરી રહ્યાં છે. ઈમરાનખાને કહ્યું કે જો તમે એવું વિચારતા હોય કે તમે પાકિસ્તાન પર હુમલો કરશો તો પછી પાકિસ્તાન પણ પલટવાર કરશે. ત્યારબાદ વાત કઈ બાજુ જશે ખ્યાલ નહીં આવે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે હું ભારત સરકાર માટે જવાબ આપી રહ્યો છું. જ્યારે સાઉદીના પ્રિંસ અમારા દેશના મહત્વના પ્રવાસ પર હતાં ત્યારે પાકિસ્તાન આવું શું કરવા કરે? જ્યારે પણ કાશ્મીરમાં કોઈ ઘટના ઘટે તો પાકિસ્તાનને જવાબદાર ગણાવવું તે કેટલું યોગ્ય છે?
પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે ભારત જો પુલવામા આતંકી હુમલાની કોઈપણ રીતે તપાસ કરાવવા ઈચ્છે છે તો અમે તૈયાર છીએ. જો તેમની પાસે આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણી હોવાના સબૂત છે તો અમને આપે, અમે એક્શન લઈશું. અમારા પર કોઈપણ પ્રકારનું દબાણ નથી. જો કોઈ પાકિસ્તાનની જમીનનો ઉપયોગ અમારી વિરુદ્ધ કરી રહ્યું છે તો તે અમારા હિતની વિરુદ્ધ છે.
ઈમરાને કહ્યું કે તેમનો દેશ આતંક પર વાત કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે જ્યારે પણ અમે ભારતને વાતચીત માટે ઓફર કરીએ છીએ તો તે કહે છે કે પહેલા આતંકવાદને ખતમ કરો. અમે લોકો આતંકવાદ પર વાત કરવા માટે તૈયાર છીએ. અમે ઈચ્છીએ છીએ કે આતંક ખતમ થાય. આતંકવાદથી અમને પણ સૌથી વધારે નુકસાન થયું છે. 15 વર્ષમાં 70 હજાર જેટલા પાકિસ્તાનીઓ આતંકના કારણે માર્યા ગયાં છે.