પનામા સિટી (ફ્લોરિડા) – અમેરિકામાં ફૂંકાયેલા સૌથી શક્તિશાળી વાવાઝોડામાંના એક, માઈકલે ભારે વિનાશ વેર્યો છે અને એને કારણે નિપજેલા મરણનો આંક વધીને 11 થયો છે.
બચાવ કામદારો વાવાઝોડાને કારણે જ્યાં વિનાશ સર્જાયો છે તેવા વિસ્તારોમાં અંદર સુધી પહોંચી રહ્યા છે ત્યારે મરણાંક હજી વધે એવી આશંકા સત્તાવાળાઓએ વ્યક્ત કરી છે.
કેટેગરી-4નું વાવાઝોડું માઈકલ ગયા બુધવારે ફ્લોરિડા રાજ્યમાં ત્રાટક્યું હતું. આ વિસ્તારમાં ત્રાટકેલું આ અત્યાર સુધીનું સૌથી વિનાશકારી વાવાઝોડું હતું. ઉત્તર અમેરિકામાં જ્યોર્જિયાથી લઈને કેરોલીના અને વર્જિનિયામાં એણે હાહાકાર મચાવ્યો છે. અનેક મકાનો જમીનદોસ્ત થયા છે, માળખાકીય સુવિધાઓ ખોરવાઈ ગઈ છે. ફ્લોરિડા, અલાબામા, જ્યોર્જિયા, વર્જિનિયામાં શુક્રવારે સવારે પણ 14 લાખ જેટલા ઘરોમાં અંધારપટની સ્થિતિ હતી.