પાંચ વર્ષમાં ગરમી તોડશે રેકોર્ડ! UNના રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા

સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO)ના તાજેતરના રિપોર્ટે આગામી પાંચ વર્ષ (2025-2029)માં વૈશ્વિક તાપમાનમાં રાહતની કોઈ આશા ન હોવાની ચેતવણી આપી છે. 28 મે, 2025ના રોજ જાહેર થયેલા આ રિપોર્ટ મુજબ, આ સમયગાળામાં સરેરાશ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસની પેરિસ કરારની સીમા વટાવવાની 70% સંભાવના છે. ઉપરાંત, 80% શક્યતા છે કે 2024ના રેકોર્ડબ્રેક ગરમ વર્ષનો પણ રેકોર્ડ આગામી વર્ષોમાં તૂટવાની શક્યતા છે. 2023 અને 2024ના બે સૌથી ગરમ વર્ષો બાદ આ રિપોર્ટ વૈશ્વિક જળવાયુ સંકટની ગંભીરતાને રેખાંકિત કરે છે.

WMOના રિપોર્ટમાં જણાવાયું છે કે 2025-2029 દરમિયાન વૈશ્વિક તાપમાન 1.2 થી 1.9 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે, જે બ્રિટનના હવામાન વિભાગના ડેટા અને વૈશ્વિક હવામાન કેન્દ્રોના વિશ્લેષણ પર આધારિત છે. WMOના ઉપ મહાસચિવ કો બેરેટે જણાવ્યું, “છેલ્લાં 10 વર્ષ રેકોર્ડબ્રેક ગરમ રહ્યાં છે, અને આગામી વર્ષોમાં પણ રાહતની આશા નથી.” પેરિસ કરારનું 1.5°Cનું લક્ષ્ય લગભગ અશક્ય બની ગયું છે, કારણ કે CO2 ઉત્સર્જન ઝડપથી વધી રહ્યું છે. 2015-2034ની 20-વર્ષની સરેરાશ તાપમાન વૃદ્ધિ 1.44°C રહેવાની સંભાવના છે, અને એક વર્ષમાં 2°Cની સીમા વટાવવાની 1% શક્યતા છે, જે આઘાતજનક છે.

રિપોર્ટમાં આર્કટિકમાં ઝડપી ગરમી અને બારેન્ટ્સ, બેરિંગ, ઓખોટસ્ક સાગરમાં બરફ ઘટવાની ચેતવણી છે. દક્ષિણ એશિયા, સાહેલ, ઉત્તરીય યુરોપ, અલાસ્કા અને સાઇબિરીયામાં વધુ વરસાદ, જ્યારે એમેઝોનમાં દુષ્કાળની આશંકા છે. આ વર્ષે ચીન (40°C), UAE (52°C) અને પાકિસ્તાનમાં લૂની ઘટનાઓએ જળવાયુ સંકટની ગંભીરતા દર્શાવી. ઇમ્પિરિયલ કોલેજ લંડનના નિષ્ણાત ફ્રેડરિક ઓટોએ કહ્યું, “જીવાશ્મ ઇંધણ પર નિર્ભરતા ગાંડપણ છે.” વધતું તાપમાન હીટવેવ, પૂર, દુષ્કાળ અને બરફ પીગળવાનું જોખમ વધારશે, જે ઇકોસિસ્ટમ અને અર્થવ્યવસ્થાને અસર કરશે.