ગૂગલ મહિલાઓના સ્ટાર્ટઅપમાં રૂ. 75,000 કરોડનું રોકાણ કરશે

સાન ફ્રાન્સિસ્કોઃ ગૂગલ ભારતીય ડિજિટલીકરણ ફંડ દ્વારા મહિલાઓના નેતૃત્વવાળા પ્રારંભિક સ્તરના સ્ટાર્ટઅપમાં રૂ. 75,000 કરોડના મૂડીરોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરશે, કંપનીના વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી. ઇન્ટરનેટ દ્વારા વાજબી પહોંચ બનાવવા માટે કંપનીએ 10 અબજ ડોલર (આશરે રૂ. 75,000 કરોડ)નું ભારત ડિજિટલીકરણ ફંડ શરૂ કર્યું છે.

ગૂગલે IDF દ્વારા કંપને જિયોમાં 7.73 ટકા હિસ્સો 4.5 અબજ ડોલરમાં અને ભારતી એરટેલમાં 1.2 ટકા હિસ્સો 70 કરોડ ડોલરમાં ખરીદ્યો છે. ગૂગલે ઇન્ડિયાના કન્ટ્રી મેનેજર અને ઉપાધ્યક્ષ સંજય ગુપ્તાએ ગૂગલ ફોર ઇન્ડિયા કાર્યક્રમમાં કહ્યું હતું કે અમારા IDF મૂડીરોકાણના હિસ્સાના રૂપે આગળ જઈને પ્રારંભિક સ્તરે કંપનીઓને સમર્થન આપીશું, જેમાં મહિલાઓના નેતૃત્વવાળા સ્ટાર્ટઅપ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.

કંપનીએ સ્પીચ ટેક્નોલોજી, વોઇસ અને વિડિયો સર્ચ જેવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કેટલાક પ્રોજેક્ટોની ઘોષણા કરી છે. તેમણે જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી લેખિત સામગ્રીને તરત વિડિયોમાં બદલી શકાય છે. અંગ્રેજીથી કોઈ ભાષામાં વ્યાપક ભાષાંતર પણ સંભવ થશે. કંપનીએ ભારતના 773 જિલ્લાઓ પાસેથી સ્પીચના આંકડા એકત્રિત કરવા માટે બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સાથે સહયોગની ઘોષણા પણ કરી છે. આ આંકડાઓની મદદથી કંપની ભાષાના અનુવાદ અને સર્ચ ટેક્નોલોજીને વધુ સારી બનાવશે.