કેનેડામાં G-7 સંમેલન: વડાપ્રધાન મોદી ભાગ નહીં લે? 6 વર્ષની પરંપરા તૂટશે!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે કેનેડામાં 15-17 જૂન, 2025 દરમિયાન યોજાનારા G-7 સંમેલનમાં ભાગ નહીં લે, જે 2019 પછી પ્રથમ ગેરહાજરી હશે. આ નિર્ણય પાછળ ભારત-કેનેડા વચ્ચેનો તણાવ અને સુરક્ષાની ચિંતાઓ મુખ્ય કારણો છે.

કેનેડાના અલ્બર્ટામાં આયોજિત G-7 સંમેલનમાં ભારતને હજુ સુધી સત્તાવાર નિમંત્રણ મળ્યું નથી, અને ભારતે પણ ભાગ લેવાની ઇચ્છા દર્શાવી નથી. ભારત-કેનેડા વચ્ચે 2023થી ચાલતો તણાવ, ખાસ કરીને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ઉદ્ભવેલા વિવાદને કારણે સંબંધો ખરાબ થયા છે. તત્કાલીન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો, જેને ભારતે નકારી દીધો હતો. આ ઘટના બાદ ભારતે કેનેડામાંથી પોતાના હાઈ કમિશનરને પરત બોલાવી લીધા હતા, અને હજુ સુધી નવી નિયુક્તિ થઈ નથી. સૂત્રો અનુસાર, જ્યાં સુધી બંને દેશો વચ્ચે સંબંધોમાં નોંધપાત્ર સુધારો ન થાય, ત્યાં સુધી ભારત આવી હાઈ-પ્રોફાઈલ મુલાકાત ટાળશે. વડાપ્રધાન મોદીની સુરક્ષા પણ એક મોટી ચિંતા છે, કારણ કે કેનેડામાં ખાલિસ્તાની કટ્ટરપંથી તત્વો સક્રિય છે

G-7 સંમેલનમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન, બ્રિટન અને અમેરિકા જેવા વિકસિત અર્થતંત્રોના નેતાઓ ભાગ લે છે, અને અન્ય પ્રભાવશાળી દેશોને નિમંત્રણ આપવામાં આવે છે. કેનેડાના મીડિયા અનુસાર, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, યુક્રેન અને બ્રાઝીલના નેતાઓ આ વખતે ભાગ લઈ શકે છે. કેનેડામાં નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ ભારત સાથે સંબંધો સુધારવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે, પરંતુ હજુ સુધી નોંધપાત્ર પ્રગતિ થઈ નથી.