લંડનઃ યુક્રેનની સામે રશિયાના હુમલા સતત જારી છે, ત્યારે વિકસિત અર્થતંત્રોવાળા G-7 દેશોના નેતાઓએ રશિયાથી ઓઇલની આયાતને તબક્કાવાર અટકાવવાનો રવિવારે સંકલ્પ લીધો હતો. આ નેતાઓએ રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે વાત કરી હતી અને તેમને ટેકો આપ્યો હતો. નાઝી જર્મનીના 1945માં આત્મ સમર્પણને લીધે ઊજવવામાં આવતા યુરોપ વિજય દિવસ પર પશ્ચિમી દેશોએ એકજૂટતા દર્શાવી હતી. G-7માં અમેરિકા, બ્રિટન, કેનેડા, જર્મની, ફ્રાંસ, ઇટાલી અને જાપાન સામેલ છે. G-7એ એક નિવેદનમાં કહ્યું હતું કે રશિયાની ઓઇલના સપ્લાયને અટકાવવાથી રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના મુખ્ય હથિયારને મોટો આંચકો લાગશે અને યુદ્ધ લડવા માટે નાણાં ખતમ થશે. તેમણે કહ્યું હતું કે અમે રશિયાને બદલે અન્ય દેશ ઓઇલનો સપ્લાય સુરક્ષિત રીતે પુરવઠો પૂરો પાડે એ અમે શોધી રહ્યા છીએ.
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનની G-7 નેતાઓ અને ઝેલેન્સ્કીની સાથે બેઠક એક કલાક ચાલી હતી. અમેરિકાએ યુક્રેન પર આક્રમણ માટે રશિયાની સામે નવા પ્રતિબંધોની જાહેરાત કરી હતી.
નવા પ્રતિબંધો હેઠળ રશિયાનાં ત્રણ સૌથી મોટાં ટેલિવિઝન સ્ટેશનોથી પશ્ચિમી દેશોની જાહેરાતોને અટકાવવી, અમેરિકી કંપનીઓને રશિયાની સેવા આપવાથી પ્રતિબંધિત કરવી અને રશિયાના ઓદ્યૌગિક ક્ષેત્ર પર વધારાના પ્રતિબંધ લગાવવા સામેલ છે.વાઇટ હાઉસે નવ મેએ વિજય દિવસથી પહેલાં નવા પ્રતિબંધોની જાહેરાત કરી હતી, જ્યારે રશિયા 1945માં નાઝી જર્મનીની હારની ઉજવણી વિશાળ સેના પરેડની સાથે ઊજવે છે.