16મેએ મોદીને આવકારવા લુંબિની (નેપાળ)માં તડામાર તૈયારી

કાઠમંડુઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા પખવાડિયે નેપાળના સત્તાવાર પ્રવાસે જવાના છે. ત્યાં તેઓ લુંબિની પ્રાંતમાં આવેલા લુંબિની બૌદ્ધ યાત્રાધામની મુલાકાત લેશે. બુદ્ધપૂર્ણિમાના દિવસે નિર્ધારિત તે મુલાકાત માટે મોદીને આવકારવા માટે લુંબિનીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 16 મેએ ગૌતમ બુદ્ધની 2,566મી જન્મજયંતી છે. યૂનેસ્કો સંસ્થાના આમંત્રણને માન આપીને મોદી લુંબિની જવાના છે. યૂનેસ્કો સંસ્થાએ 1997માં લુંબિની યાત્રાસ્થળને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે ઘોષિત કર્યું હતું.

હાલ લુંબિનીમાં ચાર હેલિપેડ બાંધવામાં આવી રહ્યા છે. મોદી ઉત્તર પ્રદેશના કુશીનગર શહેરથી હેલિકોપ્ટરમાં બેસીને લુંબિની જશે. 16 મેએ મોદી અને નેપાળના વડા પ્રધાન શેરબહાદુર દેઉબા ગૌતમ બુદ્ધ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરશે.

વડા પ્રધાન તરીકે મોદીની નેપાળ ખાતેની આ પાંચમી મુલાકાત હશે અને 2019માં બીજી મુદત માટે વડા પ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા બાદ પહેલી હશે. મોદી 2014માં જ નેપાળની મુલાકાત વખતે લુમ્બિની જવાના હતા, પરંતુ તે મુલાકાત રદ કરવામાં આવી હતી.