મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપનો તાંડવ, ઈમારતો ધરાશાયી, લોકોમાં ભયનો માહોલ

મ્યાનમારમાં શુક્રવારે સવારે બે શક્તિશાળી ભૂકંપના આંચકાઓએ ધરતીને હચમચાવી દીધી. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર, પ્રથમ ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 7.7 હતી, જેનું કેન્દ્ર સાગાઈંગ નજીક હતું. આ ભૂકંપની અસર એટલી વ્યાપક હતી કે થાઈલેન્ડની રાજધાની બેંગકોક સહિત ચીન, તાઈવાન અને ભારતના કેટલાક ભાગોમાં પણ ઝાટકા અનુભવાયા. મ્યાનમારના માંડલેયમાં ઈરાવડી નદી પરનો પ્રખ્યાત એવા બ્રિજ ધરાશાયી થયો, જ્યારે બેંગકોકમાં એક નિર્માણાધીન 30 માળની ઈમારત તૂટી પડી, જેમાં 43 કામદારો ફસાયા હોવાનું જાણવા મળ્યું.

મીડિયા રિપોર્ટના જણાવ્યા મુજબ, માંડલેયમાં ભૂકંપને કારણે 20 લોકોના મોત થયા, જ્યારે ટૌગુ શહેરમાં 5 લોકોનો ભોગ લેવાયો. થાઈલેન્ડમાં ડઝનબંધ લોકો ઘાયલ થયા છે અને 43 લોકો લાપતા છે. ભારતમાં દિલ્હી, બિહાર અને મેઘાલયના ગારો હિલ્સમાં પણ ઝાટકા અનુભવાયા, જ્યાં ગારો હિલ્સમાં 4.0ની તીવ્રતાનો અલગ ભૂકંપ નોંધાયો.

થાઈલેન્ડના વડાપ્રધાન પેટોંગટાર્ન શિનાવાત્રાએ બેંગકોકમાં ઈમરજન્સી જાહેર કરી છે. બેંગકોકના એરપોર્ટ પર લોકડાઉન લાગુ કરાયું છે અને ઘણી ફ્લાઈટ્સ રદ થઈ છે. આ ઘટનાએ બંને દેશોમાં અફરાતફરી ફેલાવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઊંચી ઈમારતો પળવારમાં જમીનદોસ્ત થતી જોવા મળી રહી છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું, “મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપથી  ઉદ્ભવેલી સ્થિતિ ચિંતાજનક છે. હું સૌની સલામતી માટે પ્રાર્થના કરું છું. ભારત દરેક સંભવિત મદદ માટે તૈયાર છે. વિદેશ મંત્રાલયને બંને દેશોની સરકારો સાથે સંપર્કમાં રહેવા અને પ્રશાસનને સતર્ક રહેવા સૂચના આપી છે.” USGSએ હજારો લોકોના મોતની આશંકા વ્યક્ત કરી છે, જે દર્શાવે છે કે આ આફતનું સ્વરૂપ વ્યાપક હોઈ શકે છે. બચાવ કાર્ય ચાલુ છે, પરંતુ બંને દેશોમાં વિનાશનું દૃશ્ય ભયાનક છે.