નવી દિલ્હી– ચીનના નાગરિકો માટે વિઝા વ્યવસ્થા વધુ સરળ બનાવતા ઈ વિઝાની સુવિધા વિસ્તારીત કરી છે. હવે ચીનથી સંમેલનો અને આરોગ્યની સહાય માટે ભારતમાં આવતાં નાગરિકોને પણ ઈ વિઝાની સુવિધા મળશે.
ચીનના વધુને વધુ ટુરિસ્ટોને આકર્ષવા માટે ભારત સરકારે આ નિર્ણય લીધો છે. ઈ વિઝા જેવી સુવિધા હોવા છતાં પણ ગત વર્ષે માત્ર 2.4 લાખ ચીની પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવ્યા હતાં
આ સમયગાળા દરમિયાન 14 લાખ ભારતીય પ્રવાસીઓ ચીનના પ્રવાસે ગયા હતાં. પ્રવાસન રાજ્યપ્રધાન કે.જે. અલ્ફોંસે ગત ઓગસ્ટમાં અંદાજે 20 ભારતીય ટૂર ઓપરેટરો સાથે બેંજિંગ, વુહાન અને શાંઘાઈમાં વિશેષ ઝૂંબેશ ચલાવી હતી જેથી વધુમાં વધુ સંખ્યામા ચીની પ્રવાસીઓને આકર્ષિત કરી શકાય
બેંઈજિગમાં ભારતીય દૂતાવાસે ગઈકાલે જાહેરાત કરી હતી કે, ભારત સરકારે સંમેલનમાં ભાગ લેવા જતાં ચીની નાગરિકો અને આરોગ્ય સહાયકના રૂપમાં જતાં લોકોને ઈ વિઝાની સુવિધા આપવામાં આવશે. અત્યાર સુધી ભારતમાં થતાં સંમેલનમાં ભાગ લેવા માટે ચીની નાગરિકોએ વિઝા માટે ભારત સરકારની મંજૂરી લેવી પડતી હતી.