વોશિગ્ટન: ચીન ખૂબ જ ઝડપથી દુનિયાભરમાં પગપેસારો કરી રહ્યું છે, જેના કારણે અમેરિકાના સુપર પાવરના હોદ્દા સામે ખતરો ઉભો થયો છે. ખાસ કરીને એશિયામાં જે રીતે ચીને જુદાજુદા દેશોમાં રોકાણ કર્યું છે, તેને જોતાં અમેરિકાની ચિંતામાં વધારો થવો વાજબી છે. હવે અમેરિકાએ પણ ચીનને કાઉન્ટર કરવા માટે એક નવો કાયદો બનાવ્યો છે. અમેરિકાએ હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં ચીનના વધતા જતાં પ્રભાવને રોકવા આ કાયદો બનાવ્યો છે. નવા કાયદાને Asia Reassurance Initiative Act (ARIA) નામ આપવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગત 31 ડિસેમ્બરે આ વિધેયક પર હસ્તાક્ષર કર્યા હતાં.
આ કાયદા હેઠળ અમેરિકાએ આ વિસ્તારમાં ભારતને તેમનું મહત્વનું ભાગીદાર બનાવ્યું છે, જેના હેઠળ બંને દેશોની વચ્ચે રણનૈતિક, આર્થિક અને સુરક્ષા સંબંધ વધુ મજબૂત બનાવવામાં આવશે.
અમેરિકાના ARIA કાયદા હેઠળ આગામી 5 વર્ષ માટે 1.5 બિલિયન ડોલનું બજેટ ફાળવવામાં આવશે. અમેરિકા આ રકમ ભારત સહિત હિંદ અને પ્રશાંત મહાસાગર ક્ષેત્રના તેમના સહયોગી દેશો સાથે રણનીતિક અન સુરક્ષા સંબંધોને મજબૂત કરવામાં ખર્ચ કરશે. અમેરિકાએ આ નવા કાયદામાં જણાવ્યું છે કે, કેવી રીતે ચીન દક્ષિણી ચીન સમુદ્રમાં પડોશી દેશોના વિરોધ છતાં ગેરકાયદે નિર્માણ કાર્ય કરી રહ્યું છે, અને તેમનું સૈન્ય ખડકી રહ્યું છે. અમેરિકા આ કાયદા દ્વારા એક તીરથી બે નિશાન સાધી રહ્યું છે, અમેરિકા એશિયાનું આતંકી સંગઠન આઈએસને પણ રોકવા ઈચ્છે છે.
નવા કાયદા હેઠળ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાન સાથે મળીને સુરક્ષાની દિશામાં કામ કરશે. તમને જણાવી દઈએ કે ચીન દક્ષિણી ચીન સાગર બાદ હવે હિંદ મહાસાગર પર પણ તેમનો પ્રભાવ વધારવાની તૈયારી કરી રહ્યું છે. જેથી સ્વભાવિક પણે ભારતની ચિંતામાં વધારો થશે. હવે અમેરિકાના નવા કાયદાથી ભારતને ફાયદો મળશે, અને આપણે ચીનની આક્રમક રણનીતિનો જવાબ આપવાની સ્થિતિમાં પહોંચી જશું.