CIA પાસે રેકોર્ડિંગ, સાઉદી પ્રિન્સ કહી રહ્યાં છે ‘ખશોગીને જલ્દી ચૂપ કરાવી દો’: રીપોર્ટ

ઈસ્તાંબુલ- સાઉદી પત્રકાર જમાલ ખશોગીની થયેલી હત્યા મામલે અમેરિકાની ગુપ્ત એજન્સી (CIA)ને એક મોટો પુરાવો હાથ લાગ્યો છે. એક તુર્કિશ ન્યૂઝ વેબસાઈટે તેમની રિપોર્ટમાં દાવો કર્યો છે કે, CIA પાસે એક ફોન કોલનું રેકોર્ડિંગ છે, જેમાં સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આદેશ આપતા સંભળાય છે કે, સંભવ હોય તેટલી જલ્દીથી જમાલ ખશોગીને ચૂપ કરાવી દો.

તમને જણાવી દઈએ કે, ખશોગીની હત્યા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરબ સાથે તેમની ભાગીદારીને વધુ મજબૂત બનાવતા સાઉદીને મહત્વનું સહયોગી ગણાવ્યું હતું. જોકે, આલોચકોનું કહેવું છે કે, ટ્રમ્પે સાઉદી પર અમેરિકાના વલણને નરમ બનાવી દીધું છે. ટ્રમ્પે મંગળવારે પત્રકારની હત્યાને લઈને સાઉદીના વલી અહદ (ક્રાઉન પ્રિન્સ) મોહમ્મદ બિન સલમાનનો બચાવ કર્યો હતો. જોકે, ગુપ્ત એજન્સી CIAની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શાસન તરફથી હત્યા પર સંમતિ હતી.

હવે આ મીડિયા રિપોર્ટ સામે આવ્યા બાદ સાઉદી સરકાર પર ફરી એક વખથ સવાલો ઉઠી રહ્યાં છે. રિપોર્ટમાં તુર્કીના ખુબજ જાણીતા સ્તંભકારનો હવાલો આપવામાં આવ્યો છે, જેમણે કહ્યું કે, CIA ડાયરેક્ટરે ગત મહિને અંકારાની યાત્રા દરમિયાન કોલ રેકોર્ડિંગ હોવાના સંકેત આપ્યો હતો. જોકે, રોયટર્સ દ્વારા સંપર્ક કરવામાં આવતા તુર્કિશ અધિકારીએ આ વાતને નકારી કાઢી હતી.

ઉલ્લેખનીય છે કે, અમેરિકન સંસદમાં પણ આ હત્યાને લઈને આકરી પ્રતિક્રિયા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે, પણ સાઉદી અરેબિયા અમેરિકા માટે મધ્ય-પૂર્વમાં એક મુખ્ય સહયોગી દેશ છે અને કદાચ એટલે જ ટ્રમ્પ તેમની સામે કોઈ પગલાં લેવામાં સંકોચ કરી રહ્યા છે.

અમેરિકન સુત્રોના જણાવ્યા અનુસાર CIAનું  માનવું છે કે, ક્રાઉન પ્રિંસે જ ખશોગીની હત્યાનો આદેશ આપ્યો હતો. જોકે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજું પણ પ્રિન્સનો બચાવ કરી રહ્યાં છે.