શાંઘાઈઃ અમેરિકા અને રશિયા વચ્ચે ઈન્ટરમીડિએટ-રેન્જ ન્યૂક્લિયર ફોર્સીઝ સંધિ સમાપ્ત થઈ ગઈ છે. ત્યારબાદ બંન્ને દેશો વચ્ચે હથિયારોની હોડ ફરીથી શરુ થવાના અણસાર છે. અમેરિકાએ એક નિવેદનમાં એશિયા-પ્રશાંત વિસ્તારમાં ઈન્ટરમીડિએટ-રેન્જ મિસાઈલો તહેનાત કરવાની જાહેરાત કરી છે. અમેરિકાના રક્ષા સચિવ માર્ક એસ્પરે એક નિવેદનમાં કહ્યું છે કે અમેરિકા જલદી જ અથવા આવનારાં કેટલાક દિવસો બાદ એશિયા પ્રશાંત વિસ્તારમાં મિસાઈલોની તહેનાતી પર વિચાર કરી રહ્યાં છે. હવે ચીને તેના પર પોતાની કડક પ્રતિક્રિયા આપી છે. ચીને મંગળવારના રોજ અમેરિકાની જાહેરાત પર કહ્યું છે કે જો અમેરિકા આમ કરે છે તો અમે પણ તેનો જડબાતોડ જવાબ આપીશું.
ચીનના વિદેશ મંત્રાલયના આર્મ્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ફૂ કોન્ગે મંગળવારના રોજ એક નિવેદનમાં કહ્યું કે જો અમેરિકા એશિયા પ્રશાંત વિસ્તારમાં ઈન્ટરમીડિએટ રેન્જની મિસાઈલો તેનાત કરે છે તો અમે પણ મૂકદર્શક બનીને નહી બેસીએ અને આનો જડબાતોડ જવાબ આપીશું.
ફૂ કોન્ગે કહ્યું કે અમેરિકાના ઈન્ટરમીડિએટ રેન્જ ન્યૂક્લિયર ફોર્સીઝ સંધીથી બહાર થવાની વૈશ્વિક રણનીતિ પર ખરાબ અસર પડશે. આ સાથે આનાથી યૂરોપ અને એશિયા પ્રશાંત વિસ્તારની સુરક્ષા પર પણ અસર પડશે. ચીની અધિકારીએ આ સાથે અન્ય દેશો ખાસ કરીને દક્ષિણ કોરિયા, જાપાન અને ઓસ્ટ્રેલિયાને પણ વિવેકનો ઉપયોગ કરવાની સલાહ આપી અને કહ્યું કે આ દેશ અમેરિકાને પોતાની સીમામાં મિસાઈલોની તહેનાતી ન કરવા દે, કારણ કે આવું કરવું આ દેશોની રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં નહી હોય.ફૂ કોન્ગે એ પણ કહ્યું કે ચીન અત્યારે પરમાણુ હથિયારોનો ઘટાડો કરવા માટે ઈચ્છુક નથી. અમેરિકા અને રશિયાના પરમાણુ હથિયારોની બાજુ ઈશારો કરતા ફૂ કોન્ગે કહ્યું કે બંન્ને દેશો પાસે પરમાણુ હથિયારોનો ખજાનો છે, જેની તુલનામાં ચીન પાસે ખૂબ ઓછા પરમાણુ હથિયાર છે.