બિજીંગ- ચીનની અવકાશી પ્રયોગશાળા તિઆંગોંગ-1 સ્પેસ લેબ કોઈ પણ સમયે ધરતી પર ખાબકી શકે છે. યુરોપીયન સાયન્સ એજન્સીના જણાવ્યા પ્રમાણે ચીનની અવકાશી પ્રયોગશાળા આગામી 31મી માર્ચથી 4 એપ્રિલ વચ્ચે કોઈ પણ સમયે ધરતીના વાયુમંડળમાં પ્રવેશ કરવાની સંભાવના છે. આ પ્રયોગશાળા સ્પેન, ફ્રાન્સ અથવા પોર્ટુગલના આકાશમાંથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.ચીને બનાવેલી આ પ્રથમ સ્પેસ લેબોરેટરી છે. જેનું વજન 8.5 ટન છે. આ પ્રયોગશાળાને સપ્ટેમ્બર-2011માં અંતરિક્ષમાં મોકલવામાં આવી હતી. ત્યારબાદ નવેમ્બર મહિનામાં માનવરહિત શેન્ઝાઉ યાન પ્રયોગશાળા સાથે જોડાયું હતું. જૂન-2012 અને જૂન-2013માં ચીને શેન્ઝાઉ-9 અને શેન્ઝાઉ-10 નામના યાન અવકાશયાત્રીઓ સાથે રવાના કર્યા હતાં. આ બન્ને યાનના યાત્રીઓ તે પછી સ્પેસ લેબમાં પણ ગયા હતા. હાલમાં ચીનનો કાર્યક્રમ વર્ષ 2020 સુધીમાં પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરતી રહે એવી પ્રયોગશાળા અવકાશમાં મોકલવા માગે છે.
ચીનના માનવયુક્ત અંતરિક્ષ એન્જીનિયર કાર્યાલય દ્વારા ગતરોજ જારી કરવામાં આવેલા એક નિવેદન અનુસાર તિઆંગોંગ-1 અંતરિક્ષ યાને 16 માર્ચથી જ સત્તાવાર રીતે ડેટા મોકલવાનું બંધ કર્યું હતું. હાલમાં આ યાન તેના જીવનકાળના અંતિમ ચરણમાં છે. ચીનના અંતરિક્ષ કાર્યાલયના નિવેદન અનુસાર આ યાન 216.2 કિલોમીટરની ઉંચાઈ ઉપર અંતરિક્ષમાં સ્થાપિત કરવામાં આવ્યું છે.