શું કારણ છે કે ચીને તેના મુસ્લિમ શહેરને બનાવ્યું છે જેલ?

નવી દિલ્હી- ઉત્તર પશ્ચિમ ચીનનું કાશગર શહેર આજકાલ આંતરરાષ્ટ્રીય સ્તર પર મીડિયાના અહેવાલોમાં છવાયેલું જોવા મળી રહ્યું છે. કારણ છે અહીં રહેલા હજારો ઉઈગુર (તુર્કી મુસ્લિમ) અને અન્ય મુસ્લિમ કેમ્પ. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચીને સમગ્ર કાશગર શહેરને પરોક્ષરૂપે જેલમાં ફેરવી નાખ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર અહીં મસ્જિદો પર સતત નજર રાખવામાં આવી રહી છે. ચીનના સુરક્ષાકર્મીઓ ગુપ્તતર બનીને નજર રાખી રહ્યાં છે. દરેક સ્થળો પર બંદૂકો સાથે ચેકપોઈન્ટ્સ પર સુરક્ષા પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. સુરક્ષા એટલી સઘન છે કે, નાન બાળકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઉઈગુર અને મુસ્લિમ કેમ્પોમાં રહેલા લોકોને અધિકારિક આઈડી કાર્ડ આપવામાં આવ્યાં છે. આ લોકોને દરરોજ લાઈન લગાવીને તેમની હાજરી નોંધાવવી પડે છે. ચેકપોઈન્ટ પર મશીનો દ્વારા આ લોકોના ચહેરા સ્કેન કરવામાં આવ્યાં બાદ તેમને જવા દેવામાં આવે છે.

મીડિયા રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કાશગર શહેરમાં મુસ્લિમ કેમ્પમાં રહેલા લોકો એક પાંજરામાં રહેલાં પક્ષીની જેમ કેદ છે. ચીને અહીં સુરક્ષાકર્મીઓ અને સૈન્ય તાકાત મારફતે ચોતરફ અંકુશ લાદી દીધો છે, જે કોમ્યુનિસ્ટ પાર્ટીની તાનાશાહી દર્શાવે છે.

અહીં લોકો જીવિત તો છે, પરંતુ તે તેમનું જીવનસ્તર સારું નથી. દરેક સ્થળ પર પ્રતિબંધ છે. પ્રતિબંધ એટલી હદ સુધી છે, અહીંના લોકો સાથે બહારના મીડિયાને પણ વાતચીત નથી કરવા દેવામાં આવતી.

ઉઈગુર અને મુસ્લિમ કેમ્પો પર ક્યારેક પોલીસ અચાનક તપાસ પણ હાથ ધરે છે. ઘણી વખત ઉઈગુરોના ફોન જપ્ત કરીને તેમના ફોનકોલ અને મેસેજની તપાસ કરવામાં આવે છે.

ચીન દ્વારા સતત દેખરેખ રાખવા પાછળ અન્ય કારણ એ પણ છે કે, અહીં ઉઈગુર, કઝાખ અને તાઝિક સમુદાય જનસંખ્યાને મામલે સ્થાનિક હેન ચાઈનિઝ બહુસંખ્યકોથી વધુ છે, જે મોટાભાગના સુન્ની મુસ્લિમ છે.

ચીનના સુરક્ષાકર્મીઓ આ લોકોના ઘરોની પણ તપાસ કરે છે, સતત નજર રાખવા માટે દરેક જગ્યાએ કેમેરા ગોઠવી દેવામાં આવ્યાં છે.

કાશગર શહેરની તુર્કી આઈ દિલનૂર કહે છે કે, ચીને કાશગર શહેરને જેલમાં ફેરવી દીધું છે, સુરક્ષાકર્મીઓ રાત હોય કે દિવસ ગમે ત્યારે ઘરોમાં ઘૂસીને તપાસ કરે છે. અમને એ નથી સમજાતું કે, ચીનને અહીં ચાંપતી નજર રાખીને શું હાંસલ થશે.

 

ઉઈગુર અને મુસ્લિમ કેમ્પોમાંથી ઘણાં લોકો ગૂમ થઈ ગયાં છે. તેમના પરિવારજનો આજે પણ તેમની શોધખોળ કરી રહ્યાં છે. દિલનૂર કહે છે કે, એક દિવસ તેમની દીકરીની બહેનપણીએ સ્કૂલમાં જણાવ્યું કે, તેમની મા તેમને કુરાન ભણાવે છે, તેના બીજા જ દિવસથી એ પરિવાર ગૂમ થઈ ગયો છે, હજુ સુધી કોઈ ભાળ નથી.