પાકિસ્તાનમાં ચીની લોકોની સુરક્ષા મામલે ચીન લાલઘૂમ

બીજિંગઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાજ શરીફની સાથે વાતચીતમાં ચીન-પાકિસ્તાનના આર્થિક કોરિડોર (CPEC)ના પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ચીની નાગરિકોની સુરક્ષાને લઈને ઘેર ચિંતા વ્યક્ત કરતાં તેમના માટે સુરક્ષિત માહોલ બનાવવાની વાત કરી હતી. શહબાજ શરીફ બે દિવસની ચીન યાત્રા પર મંગળવારે રાત્રે બીજિંગ પહોંચ્યા હતા. તેમણે જિનપિંગ સાથે મુલાકાત કરતાં બંને દેશો વચ્ચેની મિત્રતાને મજબૂત કરવા અને 60 અબજ ડોલરના ખર્ચના CPECને સહમતી દર્શાવી હતી. જોકે ચીની નાગરિકોની સુરક્ષા મુદ્દે ચીને પાકિસ્તાનને બીજી વખત રોકડું પરખાવ્યું હતું.

શીએ ગ્રેટ હોલ ઓફ પ્યુપીલમાં શરીફ સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે હું પાકિસ્તાનમાં ચીનના લોકોની સુરક્ષાને લઈને બહુ ચિંતિત છું અને અપેક્ષા કરું છું કે પાકિસ્તાન ચીની સંસ્થાઓ તથા સહયોગ માટે પાકિસ્તાન જતા લોકો માટે સુરક્ષાનો માહોલ પૂરો પાડશે. શરીફે શીને પાંચ વર્ષના ત્રીજા કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શીએ પાકિસ્તાનમાં કામ કરતા ચીની નાગરિકો પર બલૂચ નેશનલિસ્ટ આર્મી અને અન્ય ઉગ્રવાદી જૂથો દ્વારા વારંવાર હુમલાઓને આશરે બે મહિનામાં બીજી વાર ચિંતા પ્રકટ કરી હતી. એ જૂથ CPEC હેઠળ અશાંત પ્રાંતમાં ચીની મૂડીરોકાણનું વિરોધ કરી રહ્યું છે.

શરીફની આ યાત્રા એપ્રિલમાં વડા પ્રધાનપદ સંભાળ્યા પછી પહેલી ચીન યાત્રા છે. સમરકંદમાં પણ શહબાજ સાથે મુલાકાતમાં શીએ CPEC પ્રોજેક્ટ પર કામ કરતા સેંકડો ચીની કામદારોને સુરક્ષા આપવાની વાત કહી હતી. તેમણે જણાવ્યું હતું કે ચીન અને પાકિસ્તાન સારા મિત્ર, સારા ભાગીદાર અને સારા ભાઈ છે. જોકે ચીન CPECમાં વિલંબથી પાકિસ્તાનથી બહુ નારાજ છે.