બિજીંગ- ચીને એ વાતનો સ્વીકાર કર્યો છે કે, ડોકલામ વિસ્તારમાં તે ઈમારતોનું નિર્માણકાર્ય કરી રહ્યું છે. મોટાપાયે કરવામાં આવી રહેલા આ નિર્માણકાર્યને ચીને યોગ્ય ગણાવ્યું છે. અને તર્ક રજૂ કર્યો છે કે, સરહદી વિસ્તારોમાં રહેતા સૈનિકો અને સ્થાનિક લોકોનું જીવનધોરણ સુધારવા માટે આ પ્રકારનું નિર્માણકાર્ય જરુરી છે.ઉલ્લેખનીય છે કે, ઘણાં સમયથી એવી ખબર સામે આવી રહી હતી કે, ચીન ડોકલામમાં મોટાપાયે આર્મી કોમ્પલેક્સનું નિર્માણ કરી રહ્યું છે. હવે સેટેલાઈટ ઈમેજથી આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે. આ પહેલા ગત વર્ષે ડોકલામમાં ચીન દ્વારા સડક નિર્માણનું કામ શરુ કરાયા બાદ ભારત અને ચીન વચ્ચે ગતિરોધ શરુ થયો હતો જે આશરે ત્રણ મહિના સુધી ચાલ્યો હતો.
ડોકલામમાં નિર્માણ અંગે જ્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાને પુછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે, ‘મેં પણ આ અંગે સમાચાર જોયા છે. મને નથી ખબર કે આ તસવીર ક્યાંથી આવી. મારી પાસે આ અંગે કોઈ વિસ્તૃત જાણકારી નથી’.
સૂત્રોનું માનીએ તો ચીન હવે ભારત સાથે નવેસરથી ટકરાવની તૈયારી કરી રહ્યું છે. ડોકલામ વિસ્તાર ભૂટાનનો સરહદી વિસ્તાર છે. તો ચીન તેમાં કેવી રીતે નિર્માણકાર્ય કરી શકે? આ સવાલનો જવાબ આપતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, ડોંગલાંગ (ડોકલામ) હમેશાથી જ ચીનનો ભાગ રહ્યો છે. જે ચીનના અધિકારક્ષેત્રમાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ચીન તેના સૈનિકો માટે પાયાની સુવિધાઓનું નિર્માણ કરી રહ્યું છે. આ ઉપરાંત આ નિર્માણકાર્યથી સ્થાનિક લોકોને પણ ફાયદો થશે. મહત્વનું છે કે, ચીનની હરકતો ભારત માટે ખતરાની ઘંટી સમાન છે.