નવી દિલ્હી- કેન્દ્રીય કેબિનેટે ભારતીય ઘરેલુ કામદારોની ભરતીમાં સહયોગ સંબંધી ભારત અને કુવૈત વચ્ચે એમઓયુને મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે આ હેતુ સંબંધિત પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે.
કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીયપ્રધાન રવિશંકર પ્રસાદે આ અંગે જાણકારી આપતા કહ્યું કે, ખાડી દેશ કુવૈતમાં કામ કરી રહેલા ભારતીય કામદારોને સુરક્ષા પ્રદાન કરવાના હેતુ થી ભારત સરકારે આ કરારને મંજૂરી આપી છે. આ કરાર હેઠળ કુવૈતમાં ઘરેલુ કામદારોના રૂપમાં કાર કરી રહેલા ભારતીયોનું શોષણ અટકશે. અને કુવૈતમાં કામ કામ કરી રહેલી મહિલા કામદારો સહિત તમામ ભારતીય ઘરેલુ કામદારોને મજબૂત સુરક્ષા ઉપલબ્ધ થશે. આ કરાર પહેલા 5 વર્ષ માટે કરવામાં આવશે. ત્યાર બાદ આ કરારમાં આપમેળે જ અપડેટ (ઓટો નવીકરણ) ની જોગવાઈ રાખવામાં આવી છે.
આ મેમોરેન્ડમ હેઠળ અમલીકરણ પર યોગ્ય કાર્યવાહી કરવા માટે એક સંયુક્ત સમિતિની રચના કરવામાં આવશે. આ એમઓયુ બંને દેશો વચ્ચે ઘરેલુ કામદારો સંબંધિત મામલાઓમાં દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપશે. કુવૈતમાં અંદાજે 3 લાખ ભારતીય ઘરેલુ કામદારો છે. જેમાંથી લગભગ 90 હજાર મહિલાઓનો સમાવેશ થાય છે.