નવી દિલ્હીઃ બ્રાઝિલના રાષ્ટ્રપતિએ શનિવારના રોજ જી-20 શિખર વાર્તા દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત રદ કરી દીધી હતી. હકીકતમાં બ્રાઝીલના રાષ્ટ્રપતિ જૈર બોલ્સોનારોને જ્યારે જિનપિંગે રાહ જોવડાવી તો તેમણે પણ પોતાનો વટ બતાવ્યો.
જો કે શિખર વાર્તા દરમિયાન મુલાકાતોમાં મોડુ થવું તે મોટી કે નવી વાત નથી. સામાન્યતઃ શિડ્યુલ્સ બગડી જતાં હોય છે. ત્યાં સુધી કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ મુલાકાત માટે મોડા પહોંચવા માટે જાણીતાં છે પરંતુ મોડું થવા પર મુલાકાત રદ કરી દેવી તે અસામાન્ય બાબત છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિના આ નિર્ણયથી ચીનના મીડિયા સહિત તમામ વિશ્લેષકો પરેશાન છે.
ઓસાકામાં જી-20 શિખર વાર્તા દરમિયાન સ્થાનીય સમય મુજબ 2.30 વાગ્યે બંને નેતાઓની મુલાકાત થવાની હતી અને 2:55 વાગ્યે એક પ્રેસ અધિકારીએ રિપોટર્સને જણાવ્યું કે બેઠક રદ કરી દેવામાં આવી છે.
બોલ્સાનારોના પ્રવક્તા ઓટાવિયો રેગો બૈરોસે કહ્યું કે પ્રતિનિધિમંડળને પોતાનો સામાન પેક કરવાનો હતો અને તેમને સમય પર ફ્લાઈટ માટે પહોંચવાનું હતું એટલા માટે રાષ્ટ્રપતિએ દ્વિપક્ષીય બેઠક રદ કરવાનો નિર્ણય લીધો. મુલાકાત માટે પહેલાં જ ખૂબ મોડુ થયું હતું અને અમે મીટિંગ રુમમાં લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતાં.
ચીન બ્રાઝીલનું શીર્ષ વ્યાપારિક ભાગીદાર છે. રિયો ડિ જિનેરિયો સ્ટેટ યૂનિવર્સિટીમાં રાજનૈતિક વિજ્ઞાનના પ્રોફેસર મોરિસિયો સેન્ટરોએ કહ્યું કે, બોલ્સોનારો યૂએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પોતાના નજીકના સંબંધો હોવાથી પોતાને ગર્વાન્વિત મહેસૂસ કરે છે. આ જ કારણે તેઓને ચીન સામે પોતાની જાતને મજબૂત વ્યક્તિત્વ તરીકે રજૂ કરવા માટે બળ મળ્યું હશે. બોલ્સોનારો ઓક્ટોબર મહિનામાં ચીનનો પ્રવાસ કરવાના છે.