અબુધાબીમાં આયુર્વેદિક સારવાર કેન્દ્ર ‘વૈદ્યશાળા’ કાર્યરત

અબુધાબીઃ અહીં એક રજિસ્ટર્ડ આયુર્વેદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જ્યાં લોકોને હઠીલા દર્દો માટે વૈકલ્પિક અને પૂરક (કોમ્પ્લીમેન્ટરી) સારવાર આપવામાં આવશે. આ આયુર્વેદ કેન્દ્રનું નામ છે ‘વૈદ્યશાળા’. ત્યાં રજિસ્ટર્ડ આયુર્વેદિક ડોક્ટરો સહિત 10-સભ્યોની ટીમ કામ કરી રહી છે. આ કેન્દ્રનો ઉદ્દેશ્ય ભારતીય મૂળના આયુર્વેદિક વિજ્ઞાન સાથે પરંપરાગત દવાઓના સુમેળનો છે.

આ કેન્દ્રનું ઉદઘાટન અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસના ડેપ્યૂટી ચીફ ઓફ મિશન કુમાર બય્યાપુએ કર્યું હતું. ‘વૈદ્યશાળા’ના વડા છે શ્યામ વિશ્વનાથન. આ કેન્દ્રમાં પીઠનું દર્દ, આર્થરાઈટીસ, જુદા જુદા પ્રકારની એલર્જી, સ્ત્રીઓને લગતા રોગોની પૂરક સારવાર આપવામાં આવશે.

સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માં આયુર્વેદને 2002ની સાલમાં રોગનિવારક સારવાર (ક્યૂરેટિવ ટ્રીટમેન્ટ) તરીકે માન્યતા આપવામાં આવી હતી.