જકાર્તા- ભૂકંપ અને સુનામીથી બરબાદ થયેલા સુલાવેસીમાં સ્વયંસેવકોએ ગતરોજ એક હજારથી વધુ મૃતદેહો માટે સામૂહિક કબર ખોદી છે. કુદરતી વિનાશને કારણે સર્જાયેલી તબાહીમાંથી બહાર આવી રહેલા ઈન્ડોનેશિયાએ આંતરરાષ્ટ્રીય સહકારની માગ કરી છે. સત્તાવાર આંકડાઓ અનુસાર ભૂકંપ અને સુનામીને કારણે મૃતકોની સંખ્યા 832 થવા જાય છે.કુદરતી આફતના પાંચ દિવસ પછી પણ અંતરિયાળના અનેક વિસ્તારો હજી પણ સંપર્ક વિહોણા છે. દવાઓ ખલાસ થઈ ગઈ છે. અને બચાવકર્મીઓ ધરાશાયી થયેલી ઈમારતોમાંથી પીડિતોને બહાર કાઢવા આવશ્યક ઉપકરણોની અછતને કારણે સંઘર્ષ કરી રહ્યાં છે.
પ્રેસિડેન્ટ જોકો વિડોડોએ અનેક આંતરરાષ્ટ્રીય સહાયતા એજન્સીઓ અને બિનસરકારી સંગઠનો માટે દેશની સરહદો ખોલી દીધી છે. જેઓ જીવનરક્ષક સહાયતા માટે પહેલેથી જ તૈયાર હતા. ઈન્ડોનેશિયાના વરિષ્ઠ સરકારી અધિકારી ટોમ લેમબોંગે ટ્વીટર પર બચાવકર્તાઓને કહ્યું છે કે, તેઓ પીડિતોને સીધો સંપર્ક કરે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ગત રોજ પ્રેસિડેન્ટ જોકો વિડોડોએ આંતરરાષ્ટ્રીય સહાય સ્વીકાર કરવા અમને અધિકૃત કર્યા છે. જેથી તાત્કાલિક રાહત પહોંચાડી શકાય. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે, આગામી દિવસોમાં મૃતકોની સંખ્યા હજી વધી શકે છે.
પાલૂના પર્વતીય પ્રદેશ પોબોયામાં સ્વયંસેવકોએ મૃતકોને દફનાવવા માટે 100 મીટર લાંબી કબર ખોદી છે. જેમાં 1300 મૃતદેહને દફનાવવાની તૈયારી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. કુદરતી આપત્તિ બાદ કોહવાઈ રહેલા મૃતદેહને કારણે બિમારી ફેલાતી રોકવા માટે અધિકારીઓ સંઘર્ષ કરી રહ્યા છે. સાથે જ અહીં 14 દિવસની કટોકટી જાહેર કરવામાં આવી છે. પાલૂની એક હોટેલના કાટમાળમાં 60 લોકો દબાયા હોવાની આશંકા છે.
પાલૂમાં એક વ્યક્તિએ જણાવ્યું કે, ‘કોઈ મદદ નથી મળી રહી, અમે ભૂખ્યા છીએ. અમારી પાસે ફરજિયાત પણે દુકાનો લૂંટવા સિવાય કોઈ વિકલ્પ બાકી નથી રહ્યો. કારણકે અમને ખોરાકની જરુર છે’. સરકારી અધિકારીઓએ જણાવ્યું કે, વિસ્તારમાં ત્રણ અલગ-અલગ જેલમાંથી આશરે 1200 કેદીઓ ભાગી ગયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે, સુનામી માટે ચેતવણી સિસ્ટમ જો સક્રિય હોત તો અનેક લોકોના જીવ બચાવી શકાયા હોત. પરંતુ પૈસાના અભાવે ગત છ વર્ષથી આ સિસ્ટમ કામ નથી કરી રહી.