એએફપીઃ એ વ્યક્તિ અમેરિકામાં સૌથી લાંબી વ્યક્તિ હતી. ઇગોર વોવકોવિન્સ્કીની ઊંચાઈ સાત ફૂટ અને આઠ ઇંચ (2.35 મીટર્સ) હતી, પણ તેનું 38 વર્ષની વયે નિધન થયું છે. તેનું હ્દયની બીમારીને કારણે નિધન થયું છે, એમ તેની માતાએ ફેસબુક પર કહ્યું છે.
યુક્રેનમાં જન્મેલા ઇગોર વોવકોવિન્સ્કીની પિચ્યુટરી ગ્લેન્ડ પર ટ્યુમરના દબાણને કારણે સતત સ્રાવ થઈ રહેલા હોર્મોન્સથી તેની ઊંચાઈ વધતી હતી. તે સાત વર્ષની ઉંમરે સારવાર માટે અમેરિકા આવ્યો હતો. તેનું અમેરિકાના મિનેસોટામાં નિધન થયું હતું. તેને 1989માં ઉત્તરીય અમેરિકાના રાજ્યના મેયો ક્લિનિકમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો, એમ તેની માતાએ કહ્યું હતું.ડોક્ટરોએ તેના પર બે સર્જરી કરી હતી અને તેનો જીવ બચાવ્યો હતો, પણ ડોક્ટરો તેની ઊંચાઈ વધતી રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.
ઇગોર વોવકોવિન્સ્કીને 27 વર્ષની વયે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસે અમેરિકાની સૌથી ઊંચી વ્યક્તિ જાહેર કરી હતી. વર્ષ 2013માં યુરોવિઝન સોંગ સ્પર્ધામાં યુક્રેનની સિંગર જ્લાટા ઓગ્નેવિચને ગોદમાં ઉઠાવીને તે સ્ટેજ પર ગયો હતો. ઇગોર વોવકોવિન્સ્કીની સામે તે નાની ઢીંગલી જેવી લાગતી હતી.
2009માં ઇગોર વોવકોવિન્સ્કીએ થોડી વાર માટે સેલિબ્રિટી બનવાનો આનંદ લીધો હતો, જ્યારે રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ એક રાજકીય સભામાં ભીડમાં તેને સૌથી ઉપર જોયો હતો. ઇગોર વોવકોવિન્સ્કીની એક ટીશર્ટ પહેર્યું હતું. તે ઓબામાનો મોટો સમર્થક હતો. તેણે તે વખતે અનેક રાજકારણીઓ સાથે હાથ મિલાવ્યા હતા.
ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ અનુસાર વિશ્વમાં સૌથી ઊંચી વ્યક્તિ- સુલતાન કોસેન તુર્કીની છે, જેની ઊંચાઈ 8.2 ફૂટ ( 2.51 મીટર) છે. જોકે આધુનિક અમેરિકી ઇતિહાસમાં સૌથી ઊંચી વ્યક્તિ રોબર્ટ વાડલો હતી, જેની ઊંચાઈ 8.9 ફૂટ (2.72 મીટર) હતી. તેનું 22 વર્ષની વયે નિધન થયું હતું.