વોશિંગ્ટનઃ વ્હાઈટ હાઉસના એક ટોચના અધિકારીએ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે જો યુદ્ધની નોબત આવશે તો અમેરિકાની સેના ભારતની પડખે મજબૂત રીતે ઉભી રહેશે. નેવી દ્વારા ક્ષેત્રમાં પોતાની ઉપસ્થિતિ વધારવા માટે દક્ષિણ ચીન સાગરમાં બે વિમાનવાહક જહાજ તૈનાત કરવામાં આવ્યા બાદ વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝે આ નિવેદન કર્યું છે.મીડોઝે કહ્યું છે કે, અમેરિકા એના સંબંધોને બરાબર નિભાવશે અને એ માટે પૂરું જોર લગાવી દેશે. ચીન ભારત સાથે યુદ્ધ કરે કે બીજે ગમે ત્યાં યુદ્ધની પરિસ્થિતનું નિર્માણ કરે, અમે અમારા નિશ્ચય પર અડગ છીએ. અમારો સંદેશ એકદમ સ્પષ્ટ છે.
ગત મહિને ચીની સૈનિકો સાથે લદાખ સરહદ પર હિંસક અથડામણ થયા બાદ 20 ભારતીય સૈનિકોના શહીદ થયા હતા. એને પગલે ભારત સરકારે અનેક ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે પૈંગોંગ લેક, ગલવાન ખીણપ્રદેશ, અને ગોગરા હોટ સ્પ્રિંગ સહિત પૂર્વીય લદ્દાખ પર સરહદીય વિસ્તારોમાં આઠ સપ્તાહથી તંગદિલી ચાલુ છે.
સ્થિતિ 15 જૂનના રોજ બગડી હતી કે જ્યારે ગલવાન ખીણપ્રદેશમાં બંન્ને દેશના સૈનિકો વચ્ચે અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ અને ચીની વિદેશ મંત્રી વાંગ યીએ ટેલીફોન પર વાતચીત કર્યા બાદ એલએસી પરથી સૈનિકોને તાત્કાલિક હટાવી લેવા બંને દેશ વચ્ચે સહમતી સધાઈ હતી.
ચીન દક્ષિણ ચીન સાગર અને પૂર્વી ચીન સાગરમાં ક્ષેત્રીય વિવાદોમાં ફસાયેલું છે. ચીન આખા દક્ષિણ ચીન સાગર પર દાવો કરે છે. વિયેતનામ, ફિલીપીંસ, મલેશિયા, બ્રુનેઈ અને તાઈવાનના પણ ક્ષેત્રને લઈને તેનો દાવો છે.