વોશિંગ્ટન- અમેરિકામાં હિન્દી અને સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસએ જલદી જ બન્ને ભાષાઓ માટે મફત સાપ્તાહિક વર્ગો શરુ કરવાની જાહેરાત કરી છે. ભારતીય દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ વર્ગનો સમય એક કલાકનો રહેશે. અને દૂતાવાસમાં ભારતીય સંસ્કૃતિના શિક્ષક ડોક્ટર મેક્સ રાજ આ વર્ગો લેશે.હિન્દી અને સંસ્કૃત ભાષાના વર્ગો દૂતાવાસના સંકુલમાં ચલાવવામાં આવશે. વર્ગો શરુ કરવાની તારીખ જલદી જ જાહેર કરવામાં આવશે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, હિન્દીના વર્ગો દર મંગળવારે સાંજે 6થી 7 વાગ્યા સુધી રાખવામાં આવશે અને સંસ્કૃતના વર્ગો દર ગુરુવારે આ જ સમયે રાખવામાં આવશે.
ભારતીય દૂતાવાસે આ અંગેની અન્ય જાણકારી આપતાં ટ્વીટર પર માહિતીની એક કોપી પણ શેર કરી છે. જેમાં જણાવ્યા મુજબ હિન્દી અને સંસ્કૃત ભાષા શિખવા ઈચ્છુક લોકો અહીં ક્લાસ કરી શકે છે. જેના માટે ઈચ્છુક લોકોએ તેમનું નામ, પદ અને ક્લાસ લખીને ડોક્ટર મેક્સ રાજને ઈમેલ કરવાનો રહેશે.
મહત્વનું છે કે, અમેરિકામાં બોલવામાં આવતી ભારતીય ભાષાઓમાં હિન્દી સૌથી વધુ બોલાતી ભાષા છે. અહીં હિન્દી બોલનારા લોકોની સંખ્યા લગભગ 6.5 લાખ જેટલી છે.